કેન્દ્ર સરકારની મેક ઇન ઇન્ડિયા યોજનાને વધુ અસરકારક બનાવવા માટે જુદી જુદી પહેલ થઇ રહીછે. મોદી સરકારની બીજી અવધિના પ્રથમ બજેટમાં પણ આનો સંકેત આપવામાં આવ્યો છે. જો કે જાણકાર અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાંતો માને છે કે આને હજુ ગતિ આપવાની જરૂર છે. મેક ઇન ઇન્ડિયાને લઇને પ્રશ્નો વિરોધ પક્ષો કરતા રહ્યા છે. હાલમાં ચારેબાજુ ટિકા ટિપ્પણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજનાને વધારે પારદર્શક અને અસરકારક બનાવે તે જરૂરી છે. આને લઇને કંપનીઓ વધારે સક્રિય થાય અને આના મારફતે જંગી રોકાણ આવે તે પણ જરૂરી છે.
ટિકા ટિપ્પણીના દોર વચ્ચે સરકાર હવે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે તૈયારી કરી ચુકી છે. જેના ભાગરૂપે ટુંક સમયમાં જ એક નીતિ લાગુ કરવામાં આવનાર છે. સરકારી સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ નીતિ હેઠળ સરકાર પોતાના અને ભારતીય રેલવેના ઉપયોગ માટે ભારતમાં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ પાસેથી વાર્ષિક આશરે બે લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓની ખરીદી કરનાર છે. સંરક્ષણ સંબંધી વસ્તુઓ આ નીતિ હેઠળ આવશે નહી. ખરીદીની ચીજોની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની દિશામાં આને એક ઐતિહાસિક પહેલ તરીકે ગણવામાં આવે છે. અલબત્ત કોમ્પ્યુટર, મોબાઇલ, સ્ટેશનરી અને દવા ઉપરાંત સ્ટીલ અને એલ્યુમિનિયમનો ઉલ્લેખ પણ આ પ્રસ્તાવમાં રહેલો છે.
આ નીતિને ગ્લોબલ સ્તર પર સંરક્ષણવાદી નિતી તરીકે ગણવામાં ન આવે તે માટે ડબલ્યુટીઓના નિયમોને સંપૂર્ણરીતે પાળવામાં આવનાર છે. ડબલ્યુટીઓમાં એવી બારી ખુલ્લી છે કે જો સરકારી ખરીદીનો ઉદ્ધેશ્ય વેપારી નથી તો સરકાર આમાં સ્થાનિક પેદાશોને વધારે મહત્વ આપી શકે છે. સુચિત ખરીદી નીતિનો ઉદેશ્ય ભારતીય કંપનીઓને ભારતમાં જ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે.
જોરશોરથી લોંચ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં હજુ સુધી પુરતા પ્રમાણમાં મુડીરોકાણ આકર્ષિત કરવામાં આવ્યુ નથી. કેટલાક રોકાણના મોટા પ્રસ્તાવ ચોક્કસ પણે આવ્યા છે પરંતુ હજુ કાગળથી બહાર પ્રોજેક્ટ નિકળી શક્યા નથી. તેમના જમીની અમલમાં હજુ ચાર પાંચ વર્ષ લાગી શકે છે. જેમ કે તાઇવાની કંપની ફોક્સકોન પાંચ વર્ષમાં પાંચ અબજ ડોલરનુ રોકાણ કરવાની યોજના ધરાવે છે. રેલવેને બિહારમાં બે એન્જિન કારખાના સ્થાપિત કરવા માટે ૧૦ હજાર કરોડ રૂપિયાના વિદેશી રોકાણની રકમ એકત્રિત કરવામાં સફળતા મળી છે. પરંતુ આવી જાહેરાતોનો મતલબ એ વખતે જ સફળ ગણી શકાય છે જ્યારે જમીની સ્તર પર આવી યોજના અમલી બને. મેક ઇન ઇન્ડિયાને અપેક્ષા કરતા વધારે ગતિ મળી રહી નથી તેના માટે કેટલાક કારણો પૈકી એક કારણ એ છે કે દેશમાં જે રીતે વેપારી કારોબારી માહોલ સર્જી દેવાની જરૂર છે તેવા માહોલની રચના થઇ શકી નથી. મેક ઇન્ડિયા મારફતે રોજગારીની વધુને વધુ તક સર્જવામાં આવે તે જરૂરી છે. સૌથી મોટો પડકાર રોજગાર ઉભા કરવાનો છે.