અમદાવાદ : શુભ પ્રસંગે ઘરે કે અન્ય સ્થળોએ પૈસા માગવા આવતાં કેટલાક કિન્નરોએ અમદાવાદમાં થોડાં દિવસ પહેલાં એસજી હાઈવે પર નવી ઓફિસ લેતાં આર્કિટેક્ચરના ત્યાં ધામા નાંખી રૂ.૩૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી. જો કે, આર્કિટેકચરે પૈસા નહી આપતાં કિન્નરોએ આર્કિટેક્ચરની ઓફિસમાં તોડફોડ કરી ભારે ધમાલ મચાવી હતી. આ આખીય ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ મામલે આર્કિટેક્ચરે કરેલી ફરિયાદ અનુસંધાનમાં આટલા દિવસ બાદ આખરે વસ્ત્રાપુર પોલીસે સાત કિન્નરોની ધરપકડ કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઇવે પર આવેલાં વન વર્લ્ડ કેપિટલ કોમ્પ્લેક્સના સાતમા માળે આકાશ ગોલાણી નામનો યુવક આર્કિટેકની ઓફિસ ધરાવે છે.
તેણે ત્રણેક માસ પહેલાં જ આ ઓફિસ લીધી હતી. જેને લઇને યજમાનવૃત્તિ માટે ત્રણથી ચાર વાર કિન્નરો આવ્યા હતા. ૧૦થી ૧૫ કિન્નરોની ટોળકી આવતી અને યજમાનવૃત્તિના ૩૦ હજાર રૂપિયાની માંગ કરતી. જો કે આકાશ તેમને બે હજાર રૂપિયા આપવા તૈયાર હતો. પણ કિન્નરો આટલાં ઓછાં રૂપિયા લેવા માટે તૈયાર ન હતા. દરમ્યાન તા.૩ જુનના રોજ આ ટોળકીએ આતંક મચાવ્યો જ્યારે આકાશે ૩૦ હજાર રૂપિયા આપવાની ના પાડી તો, કિન્નર ટોળકીએ ઓફિસની આસપાસ પડેલાં લાકડાના સાધનથી આકાશને માર મારવાની કોશિશ કરી તોડફોડ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. કિન્નરોની લુખ્ખાગીરીનો ભોગ બનેલાં આકાશે કિન્નરોને સબક શીખવાડવા પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે સીસીટીવ ફૂટેજના આધારે સાત કિન્નરોને ઝડપી પાડ્યા હતા. પણ કિન્નરોની ધરપકડ બાદ પોલીસ પણ દ્વિધામાં મુકાઈ ગઈ હતી. કેમ કે, પોલીસને પ્રશ્ન સતાવી રહ્યો હતો કે, કિન્નરોને પુરુષ લોક-અપમાં રાખવા કે મહિલા લોક-અપમાં. અંતે પોલીસે કિન્નરોને એક રૂમમાં અલગ રાખ્યા હતા.