નવી દિલ્હી : સંસદના ચાલુ સત્રને છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી વધારે સફળતા હાથ લાગી છે. સરકાર વર્તમાન સત્રમાં થઇ રહેલા કામકાજને લઇને ખુબ જ ઉત્સાહિત છે. આજ કારણ છે કે, સરકાર ચાલુ સત્રને વધુ કેટલાક દિવસ સુધી વધારી દેવા માટે ઇચ્છુક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના દિવસે ભાજપ સંસદીય દળની બેઠકમાં આ પ્રકારની ઇચ્છા વ્યક્ત કરી હતી. સરકારની ઇચ્છા છે કે, પેન્ડિંગ રહેલા મોટાભાગના બિલને આ સત્રમાં પસાર કરી દેવામાં આવે તે જરૂરી છે જેથી મોનસુન સત્ર બોલાવવાની જરૂર રહેશે નહીં. સુત્રોએ કહ્યું છે કે, ચાલુ સત્ર બાદ સીધીરીતે શિયાળુ સત્ર થશે.
સરકારમાં ઉચ્ચસ્તરીય સુત્રોનું કહેવું છે કે, સત્રના કેટલાક દિવસો વધારવામાં આવે તે જરૂરી છે. આ સંદર્ભમાં પણ ટૂંકમાં જ નિર્ણય લેવામાં આવશે. હાલમાં જ ચૂંટાયેલી ૧૭મી લોકસભાનું આ પ્રથમ સત્ર યોજાઈ રહ્યું છે જેમાં વધુને વધુ કામ પૂર્ણ કરવા માટે તેની અવધિ વધારવામાં આવી શકે છે. ઉત્પાદકતાના મામલામાં ૨૦ વર્ષના રેકોર્ડ તુટી ગયા છે. પીઆરએસ રિસર્ચના આંકડા દર્શાવે છે કે, ૨૬મી જુલાઈ સુધી લોકસભાની ઉત્પાદકતા ૧૨૮ ટકા રહી છે જે છેલ્લા ૨૦ વર્ષના ગાળા દરમિયાન રહેલી ઉત્પાદકતા કરતા વધારે છે. આશરે ૧૨૫ ટકા પ્રોડક્ટીવીટીવાળા ૨૦૧૬ના બજેટ સત્ર અને ૨૦૧૪ના શિયાળુ સત્રને પાછળ છોડી દેવામાં સફળતા મળી છે.
સૌથી વધારે પ્રોડક્ટીવીટીનો દિવસ ૧૧મી જુલાઈનો દિવસ રહ્યો હતો તે દિવસે રેલવે મંત્રાલય માટે લેખાનુદાન પર મધ્યરાત્રિ સુધી ચર્ચા થઇ હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિડલા લોકસભા સચિવાલયને સવાર સુધી જરૂરી કામગીરી પૂર્ણ કરવાના આદેશ આપી ચુક્યા હતા. પ્રથમ દિવસે ત્રણ વાગ્યા સુધી ગૃહ ચલાવવાની યોજના બનાવવામાં આવી હતી. ૧૬મી જુલાઈના દિવસે લોકસભાની કાર્યવાહી મધ્ય રાત્રિ સુધી ચાલી હતી.