અમદાવાદ : શહેરના મોટેરા વિસ્તારની એક સોસાયટીમાં નિવૃત્ત બેંક કર્મચારી એવા પતિએ પોતાની પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, વહેલી સવારે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે જ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને પોલીસને બોલાવી હતી. પોલીસે આરોપી પતિની પત્નીની હત્યા કરી પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ચાંદખેડા પોલીસે સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના મોટેરામાં કોટેશ્વર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીના ૩૦ નંબરના મકાનમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી મોતીભાઈ મકવાણા (ઉ.વ. ૫૪)એ તેમના પત્ની જશીબેન મકવાણા (ઉ.વ. ૫૦)ની અગમ્ય કારણોસર હત્યા કરી હતી. પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી અનુસાર, જશીબેન સાથે મોતીભાઈના આ બીજા લગ્ન હતા. આ પહેલા તેણે નિર્મલાબહેન સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમનું અકસ્માતમાં મોત નીપજતા બીજા લગ્ન કર્યા હતા. નિર્મલાબેન થકી મોતીભાઈને બે દીકરા અને ત્રણ દીકરીઓ થઈ હતી. જ્યારે જેમની હત્યા કરાઈ તે જશીબેન થકી તેમને એક દીકરી છે, જે ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે.
બંને પત્નીઓ થકી તેમને કુલ મળીને છ સંતાનો છે, જ્યારે મૃતકના ભાઈ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં કોન્સ્ટેબલ છે. હત્યા પાછળ પતિ-પત્નીના ઝઘડા અને લગ્નજીવનની તકરારો કારણભૂત મનાઇ રહ્યું છે. અગાઉ પત્ની દ્વારા પોતાના પતિ વરૂધ્ધ કલમ-૪૯૮ હેઠળ ફરિયાદ પણ કરાઇ હતી. આમ પતિ-પત્ની વચ્ચેના ખટરાગ અને કલેશ ચરમસીમાએ પહોંચતા આખરે તંગ આવીને મોતીભાઇ મકવાણાએ તેમની પત્નીને ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પોતાની જાતને પોલીસને સોંપી દીધી હતી.