નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની આજે મહત્વની બેઠક મળી હતી જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ બેઠકમાં થયેલા નિર્ણયોના સંદર્ભમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મેડિકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. તેમણે કહ્યું હતું કે, મેડિકલની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને હવે અલગ અલગ પ્રવેશ પરીક્ષાઓની જગ્યાએ માત્ર એક જ નીટ પરીક્ષા પાસ કરવાની રહેશે. તેમણે કહ્યું હતું કે, વર્તમાન સમયમાં દેશની જુદી જુદી મેડિકલ કોલેજામાં અલગ અલગ પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.
હવે આ તમામની જગ્યાએ માત્ર એક નીટની પરીક્ષા યોજવામાં આવશે. આના આધાર પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. નીટની પરીક્ષા દર વર્ષે દેશના જુદા જુદા ભાગોમાં યોજવામાં આવે છે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પોસ્ટ માટે પ્રતિષ્ઠિત કોલેજાના એડમિશન માટે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ રહે છે. આ ઉપરાંત અન્ય એક નિર્ણય અંગે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, દેશના સૌથી મોટા હાઈડ્રો પ્રોજેક્ટને પણ મંજુરી આપવામાં આવી છે. અરુણાચલ પ્રદેશમાં દેશના સૌથી મોટા હાઈડ્રો પ્રોજેક્ટ ડિબાંગને મંજુરી આપવામાં આવી છે. આ ૨૮૮૦ મેગાવોટનો પ્રોજેક્ટ છે. સરકારે બુધવારના દિવસે લોન સુધારા સાથે સંબંધિત એક બિલને પણ મંજુરી આપી હતી. કેબિનેટની બેઠકમાં જુદા જુદા પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવ્યા બાદ અંતિમ નિર્ણય કરવામાં આવ્યા હતા.
બીજી બાજુ ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર વિમલ જાલાનના નેતૃત્વમાં રચાયેલી સમિતિએ કેન્દ્રીય બેંકની પાસે પડેલી જરૂર કરતા વધારે રિઝર્વ મૂડીના સંદર્ભમાં પોતાના રિપોર્ટને આખરી ઓપ આપી દીધો છે. સુત્રોએ આજે બુધવારના દિવસે આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, છ સભ્યોની આ સમિતિની રચના ૨૬મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે કરવામાં આવી હતી. રિઝર્વ બેંકને મૂડી કેટલી રાખવી જાઇએ તે અંગે આ સમિતિ વિચારણાકરી રહી હતી. નાણામંત્રાલય ઇચ્છે છે કે, કેન્દ્રીય બેંક વૈશ્વિક સ્તર પર અપનાવવામાં આવતા શ્રેષ્ઠ માપદંડોને અપનાવે અને આગળ વધે. સમિતિની બેઠક બાદ રિપોર્ટને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રિઝર્વ બેંક દ્વારા સરકારને સોંપવામાં આવનાર વધારાની રકમના સંદર્ભમાં પુછવામાં આવતા સુત્રોએ કહ્યું હતું કે, હાલમાં આ અંગે કોઇ ખુલાસો કરી શકાય તેમ નથી પરંતુ નાણા સમય સમયે કેન્દ્ર સરકારને સોંપવામાં આવે છે.