પટણા : બિહારમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના નેતાઓની જાસુસી સાથે સંબંધિત રાજ્ય પોલીસની ખાસ શાખાના એક આદેશને જાહેર કરવામાં આવ્યા બાદ બિહારમાં રાજનીતિ ગરમ બની ગઈ છે. જેડીયુ આના કારણે બેકફુટ ઉપર નજરે પડી રહી છે. આ મામલામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્યમંત્રી નીતિશકુમાર પાસેથી સ્પષ્ટીકરણની માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નીતિશકુમારને રાજ્યના સંવેદનશીલ મામલાઓની માહિતી આપનાર પ્રદેશ પોલીસની ગુપ્તચર સંસ્થાએ સંઘના નેતાઓની માહિતી કાઢવા માટે આદેશ જારી કર્યા હતા.
આ આદેશની નકલ જાહેર થઇ ગયા બાદ ભાજપના ધારાસભ્ય સંજય સરાવગીએ કહ્યું છે કે, મુખ્યમંત્રી નીતિશકુમારને આ આદેશના સંદર્ભમાં સ્પષ્ટીકરણ કરવું જાઇએ. જે અધિકારીએ આ પત્ર જારી કર્યો છે તેમાં પણ તપાસ થવી જાઇએ. સરકાર એવી તપાસ કેમ કરી રહી છે તે અંગે પણ માહિતી આપવી જાઇએ. બીજી બાજુ બિહારના શિક્ષણ મંત્રી અને જેડીયુ નેતા કૃષ્ણનંદન પ્રસાદ વર્માએ આ સંદર્ભમાં પુછવામાં આવતા કહ્યું હતું કે, તેમની પાસે કોઇ માહિતી આવી નથી.
બીજી બાજુ ભાજપના નેતા અને મંત્રી વિજયકુમાર સિંહાએ કહ્યું છે કે, સંઘ સામાજિક જવાબદારી અદા કરનાર સંગઠન તરીકે છે. વિપક્ષી દળો આ મામલાને લઇને સત્તા પક્ષ સામે પ્રહાર કરી રહ્યા છે. મોદીના શપથવિધિ બાદ આ અંગેનો મામલો સપાટી ઉપર આવ્યો છે. આ આદેશ સ્પેશિયલ બ્રાંચ દ્વારા શપથવિધિ પહેલા અપાયો હતો.