ગુવાહાટી : કેન્દ્રિય જળ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે આસામમાં પુરની સ્થિતી અંગે રાજ્યના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ સાથે આજે વાતચીત કરી હતી. સાથે સાથે પુરની સ્થિતી વચ્ચે તમામ પ્રકારની સહાય આપવા માટેની ખાતરી પણ આપી હતી. પરિસ્થિતીને હળવી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બનતી તમામ મદદ કરવાની ખાતરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને મદદરૂપ થવા માટે ૨૫૧.૫૫ કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે. આસામમાં પુરની સ્થિતી વધારે ગંભીર બનેલી છે.
આસામાં પુરના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સોનોવાલ અને સરકારના સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ શેખાવતે કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યપ્રધાન સાથે ફોન પર વાતચીત કરી છે. રાજ્યમાં પુરની સ્થિતી અંગે વડાપ્રધાને પણ માહિતી મેળવી લીધી છે. પરિસ્થિતીની સમીક્ષા કરવા માટે જ તેઓ અહીં પહોંચ્યા છે. સ્થિતીનો સામનો કરવો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
રાજ્ય દ્વારા રિપોર્ટ મોકલી દેવામાં આવ્યા બાદ તેમાં મુલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા વધારે ફંડ જારી કરવાના મામલે ચર્ચા કરવામાં આવનાર છે. પુરની સ્થિતીને હળવી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરતા તેમણે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર મજબુત રીતે રાજ્ય સરકારની સાથે કટોકટીમાં ઉભી છે. આસામને બનતી તમામ સહાય આપવામાં આવનાર છે.