શ્રીહરિકોટા : ભારતનુ ચન્દ્ર પર પહોંચી જવા માટેનુ સપનુ થોડાક સમય માટે ટળી ગયુ છે. હકીકતમાં ચન્દ્ર પર જનાર મિશન ચન્દ્રયાન-૨ લોન્ચિંગના એક કલાક પહેલા રોકી દેવામાં આવ્યા બાદ નિરાશા જાવા મળી હતી. આને લઇને ભારે ઉત્સુકતા હતી. લોન્ચિંગના એક કલાક પહેલા સમગ્ર મિશન રોકી દેવામાં આવ્યુ હતુ. લોન્ચિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામીના કારણે ઇસરોએ લોંચને મોકુફ કરી દીધો હતો. લોન્ચિંગ માટે નવી તારીખની ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવનાર છે. રવિવારે વહેલી પરોઢે ૨.૫૧ વાગે લોન્ચિંગની તૈયારી હતી. જો કે ગણતરીને ૧.૫૫ વાગે રોકી દેવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ પણ લોંચને જાવા માટે શ્રીહરિકોટામાં હતા. ઇસરોએ નિવેદન જારી કરીને કહ્યુ છે કે લોંચથી આશરે એક કલાક પહેલા લોન્ચ વ્હીકલ સિસ્ટમમાં એક ટેકનિકલ ખામી સર્જાઇ ગઇ હતી. જેથી લોંચ કાર્યક્રમને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે નવી તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે. લોન્ચિંગ વિન્ડોની અંદર લોંચ કરવાની બાબત યોગ્ય દેખાતી નથી. ચન્દ્રયાન- ૨ પર તમામની નજર હતી. આજે જા સફળ લોંચની પ્રક્રિયા રહી હોત તો એક નવો ઇતિહાસ રચાયો હતો. ચંદ્રયાન-૨નું વચન ૩૨૯૦ કિલોગ્રામ રહેશે. કાર્યક્રમ મુજબ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ તેનું ઓર્બિટર, લેન્ડરથી અલગ થઇ જશે. ત્યારબાદ લેન્ડર ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે.
સાઉથ પોલની જમીન ખુબ જ સોફ્ટ રહેલી છે જેથી રોવરને મુવ કરવામાં સરળતા રહેશે. રોવરમાં છ ટાયર લાગેલા છે જેનું વજન ૨૦ કિલો છે. રોવર અને ઓર્બિટરમાં અનેક સંવેદનશીલ અતિઆધુનિક સાધનો છે જેમાં કેમેરા અને સેન્સર્સ છે. રોવર પણ અતિઆધુનિક સાધનોથી સજ્જ છે. બંને મળીને ચંદ્રની સપાટી ઉપર મળનાર ખનીજ અને અન્ય પદાર્થોના ડેટા મોકલશે જેમાં ઇસરો અભ્યાસ કરશે. ૬૦૩ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ આમા કરવામાં આવ્યો છે.