અમદાવાદ : જેઠવા હત્યા કેસમાં દોષિત ઠરેલા દિનુ બોઘાને તેમના ફાર્મ હાઉસના નોકર રામા હાજાની જુબાની જ ભારે પડી હતી. દિનુ બોઘા સોલંકી સહિત સજા પામેલા આરોપીમાં તેમનો ભત્રીજો શિવા સોલંકી, શૈલેષ પંડ્યા, બહાદુરસિંહ વાઢેર (કોન્સ્ટેબલ), શિવા પંચાલ, સંજય ચૌહાણ અને ઉદાજી ઠાકોરનો સમાવેશ થાય છે.
આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાની ગત તા.૨૦ જુલાઈ,૨૦૧૦ના રોજ હાઈકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે બાઇક પર આવેલા બે શખ્સે ગોળી મારી હત્યા કરી હતી. આ કેસમાં અનેક કાનૂની લડાઈ બાદ સીબીઆઈને તપાસ સોંપાઈ હતી. સીબીઆઈના ડીઆઈજી અરૂણ બોથરાએ ભારે હિંમતપૂર્વક ગત તા.૫ નવેમ્બર,૨૦૧૩ના રોજ મોટુ માથુ ગણાતા ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાની ધરપકડ કરી હતી. બાદમાં તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને બોઘા સહિત સાત આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું.