અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે આજે એક અતિમહત્વપૂર્ણ ચુકાદા મારફતે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં મોલ-મલ્ટીપ્લેક્સમાં નાગરિકો પાસેથી ઉઘરાવવામાં આવતાં પાર્કિગ ચાર્જ વસૂલવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે તેના બહુ દૂરોગામી અસર કરનારા આ ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે, રાજયમાં મોલ અને મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિગ ચાર્જ લઈ શકશે નહીં અને જો પાર્કિગ ચાર્જ લેશે તો મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો સામે જે તે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે.
એટલું જ નહી, અગાઉ પાર્કિગ ચાર્જ નિયત કરતાં સીંગલ જજના અગાઉના હુકમને પણ હાઇકોર્ટની ખંડપીઠે ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો. જેને પગલે અમદાવાદ શહેર સહિત રાજયભરના નાગરિકોને ખાસ કરીને વાહનચાલકોને બહુ મોટી એટલે બહુ મોટી રાહત મળી છે. હાઇકોર્ટે પોલીસ ઓથોરીટી સહિતના સંબંધિત સત્તાવાળાઓ દ્વારા મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિગ ચાર્જ ઉઘરાવવા પર પ્રતિબંધ ફરમાવતી નોટિસો, હુકમો જે પણ કંઇ જારી કરાયા છે તે તમામ પણ યથાવત્ રાખ્યા છે. જેથી હવેથી અમદાવાદ શહેર સહિત રાજયભરમાં મોલ-મલ્ટીપ્લેક્સમાં હવે પાર્કિગ ચાર્જ ઉઘરાવી શકાશે નહી. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં મોલ અને મલ્ટીપ્લેક્સ સંચાલકો દ્વારા પાર્કિગ ચાર્જના નામે વસૂલવામાં આવતી ઉઘાડી લૂંટની બદી પર રોક લાગશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓક્ટોબરમાં મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિગ ચાર્જ લેવા બાબતે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિગ ચાર્જ વસૂલ કરવાની પરવાનગી આપી કામચલાઉ રાહત આપી હતી. હાઇકોર્ટે એ વખતે, પ્રથમ કલાક માટે પાર્કિગને ફ્રી રાખવાની અને ત્યારબાદ પાર્કિગ ચાર્જ વસૂલ શકાશે.
એક કલાક બાદ ટુ-વ્હીલર માટે રૂ. ૨૦ અને ફોર વ્હીલર માટે રૂ. ૩૦ પાર્કિગ ચાર્જ ચુકવવો પડશે. ગત વર્ષે પાર્કિગ ચાર્જ મામલે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોલ-મલ્ટિપ્લેક્સ, હોસ્પિટલ સહિતના એકમો દ્વારા જો તેની મુલાકાત લેનાર ગ્રાહકોને મફત પાર્કિગની વ્યવસ્થા આપવા માટે નિર્દેશ આપ્યો હતો. જે અનુસંધાને પણ મોલ-મલ્ટિપ્લેક્સ દ્વારા આ પ્રકારે ચાર્જ વસુલવા સામે રોક લગાવી હતી. તેમજ ચાર્જ લેનાર પર કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી.આ દરમ્યાન કેટલાક મોલ- મલ્ટીપ્લેક્સ સંચાલકો દ્વારા હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી એવી રજૂઆત કરી છેકે, તેઓ પાર્કિગમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ત્યારે તેઓ પાર્કિગનો ચાર્જ વસૂલી શકે છે.
રાજય સરકાર તરફથી મોલ-મલ્ટીપ્લેકસ સંચાલકોની અરજીનો સખત વિરોધ કરતાં જણાવાયું હતું કે, મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકોની અરજી ટકી શકે તેમ જ નથી કારણ કે, તેઓને આ પ્રકારે પાર્કિગ ચાર્જ વસૂલવાની કોઇ અધિકૃત સત્તા જ નથી, તેઓ અત્યારસુધી ગેરકાયદેસર રીતે અને મનસ્વી રીતે પાર્કિગ ચાર્જ વસૂલતા આવ્યા છે, જે ઉઘરાવવાની તેમને કોઇ સત્તા જ નથી. વળી, પોલીસ ઓથોરીટી અને સંબંધિત સત્તાવાળાઓ તરફથી આ પ્રકારે ગેરકાયદે પાર્કિગ ચાર્જ ઉઘરાવવા પર પ્રતિબંધ ફરમાવતાં નોટિફિકેશન્સ અને નોટિસો જારી કરાયા છે, જે કાયદેસર અને સત્તાનુસારના હોઇ હાઇકોર્ટે તેને બહાલ રાખવા જોઇએ. સરકારપક્ષની આ દલીલો હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને અમદાવાદ શહેર સહિત રાજયભરના નાગરિકોને બહુ મોટી રાહત આપી હતી.