ભ્રષ્ટાચાર પર ફરી એકવાર પ્રહાર કરીને કેન્દ્રિય તપાસ બ્યુરો અથવા તો સીબીઆઇની ટીમે મંગળવારના દિવસે દેશભરમાં ૧૧૦ સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા. જેમાં દિલ્હીની સાથે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, મહારાષ્ટ્ર અને છત્તિસગઢના કેટલાક શહેરો સામેલ રહ્યા છે. આ પહેલા સીબીઆઇએ બીજી જુલાઇના દિવસે ૧૮ શહેરોના ૫૦ સ્થળો પર વ્યાપક દરોડા પાડ્યા હતા. એ વખતે સીબીઆઇ અધિકારીઓએ સંકેત આપ્યા હતા કે એજન્સીએ બેંકો સાથે છેતરપિંડી કરનાર લોકોની સામે કાર્યવાહી હાથ ધરી છે. દેશભરમાં આ કાર્યવાહી ચાલી રહી છે.
એ વખતે એવા સંકેત પણ આપવામાં આવ્યા હતા કે આ કાર્યવાહી શરૂ કરવામાં આવ્યા બાદ હાલમાં જારી રહેનાર છે. બરખાસ્ત કરવામાં આવી ચુકેલા ઇન્કમટેક્સ કમીશનર સંજય કુમાર શ્રીવાસ્તવના નોઇડા સહિત અનેક સ્થળો પર સીબીઆઇની ટીમ છઠ્ઠી જુલાઇના દિવસે તપાસ કરી ચુકી છે. સંજય કુમારને હાલમાં જ સરકારે બરખાસ્ત કરી દીધા હતા. કથિત રીતે ગેરકાયદે લાભ ઉઠાવવા માટે અગાઉની તારીખમાં અપીલ આદેશ પસાર કરવાને લઇને સરકારે તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. મોદી સરકારે લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે જીત મેળવી લીધા બાદ બીજી અવધિ માટે સતત સત્તામાં આવ્યા બાદ કાર્યવાહી શરૂ કરી દીધી છે. મોદી સરકારની આ ઇનિગ્સની શરૂઆત બાદ ભ્રષ્ટ અધિકારીઓ અને સંસ્થાઓ પર જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે જાતા અંધેરમાં રહેલી સુરંગમાં કેટલીક નવી આશા દેખાઇ રહી છે.
પરંતુ જે દેશમાં રાજનીતિને ભ્રષ્ટાચારની ગંગોત્રી ગણવામાં આવે છે ત્યાં દરોડા પાડીને કેટલીક નાની મોટી માછળીને જાળમાં ફસાવીને કોઇ મોટા પરિણામની અપેક્ષા કરી શકાય તેમ નથી. હાલમાં કડવી વાસ્તવિકતા એ છે કે ભ્રષ્ટાચાર દેશ માટે રક્તબીજ સમાન છે. ટ્રાન્સપરેન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયાના ગયા વર્ષના સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૭ની તુલનામાં વર્ષ ૨૦૧૮માં લાંચ આપીને કામ કરાવનાર લોકોની સંખ્યામાં ૧૧ ટકા સુધીનો ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. સર્વેમાં સામેલ કરવામાં આવેલા લોકો પૈકી સૌથી વધુ ૩૦ ટકા લોકોએ જમીનની રજિસ્ટ્રી જેવા કામ માટે સૌથી વધારે સરકારી કર્મચારીઓને લાંચની ચુકવણી કરી છે. સામાન્ય લોકોમાં એવી સર્વ માન્યતા છે કે લાંચ આપીને ડ મુશ્કેલ માર્ગને સરળ બનાવી શકાય છે.
લાંચ આપ્યા વગર કામ થઇ શકશે નહીં. લાંચ આપવા અને લેવા જેવા મામલાના કારણે દેશની માનસિકતા એક પ્રકારની આવી જ થઇ ગઇ છે. રેશનિંગ કાર્ડ લેવા માટે, ડ્રાઇવિંગ લાયન્સ માટે પણ લોકો લાંચ આપે છે. પાસપોર્ટ માટે પણ જંગી લાંચ ચુકવવામાં આવે છે. લાંચ લેવા અને આપવાની આ માનસિકતાના કારણે દેશની આર્થિક અને સામાજિક તેમજ નૈતિક સ્થિતીને એકદમ ખરાબ કરી નાંખી છે. આ સ્થિતીને સુધારવા માટે એકદમ નીચલા સ્તરથી લઇને એકદમ ટોપ સ્તર સુધી વ્યવસ્થાને વધારે પારદર્શક બનાવવા માટેની જરૂરિયાત અનુભવાઇ રહી છે. આ કામ મજબુત ઇચ્છાશક્તિ વગર શક્ય નથી.