કર્ણાટકમાં ભારે રાજકીય અસ્થિરતા પ્રવર્તી રહી છે. કર્ણાટકમાં હાલમાં સત્તા આંચકી લેવા અને સત્તાને બચાવી લેવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. આ પ્રકારના રાજકીય દાવપેંચની રમત દેશની લોકશાહી માટે કોઇ કલંકથી કમ નથી. પહેલા સત્તારૂઢ જેડીએસ અને કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. ત્યારબાદ તમામ મંત્રીઓના રાજીનામા બાદ રાજ્યમાં ફરી એકવાર રાજકીય કટોકટી સર્જાઇ ગઇ છે. માત્ર ૧૪ મહિના જુની કોંગ્રેસ અને જેડીએસની સરકાર સામે કોઇ નાની સમસ્યા હવે રહી નથી. આ સરકાર હવે ક્યારેય ઘરાશાયી થઇ જાય તે અંગે કોઇની પાસે કોઇ માહિતી નથી. પ્રદેશમાં કુમારસ્વામીના નેતૃત્વમાં સરકાર આંચકા ખાતા ખાતા જ ચાલી રહી છે. આ અવધિમાં સરકારની સૌથી મોટી સફળતા એ રહી છે કે સરકાર બચી ગઇ છે. સરકારને બચાવી લેવા સિવાય કોઇ કામ આ ગાળામાં કરવામાં આવ્યા નથી.
ગઠબંધનની સરકાર સામે આવેલુ સંકટ નીતિમાં ખેંચતાણના કારણે આવ્યુ નથી. ગઠબંધન સરકારમાં સામેલ તમામ ૧૧૮ ધારાસભ્યો મંત્રીપદ ઇચ્છે છે. જે શક્ય નથી. કર્ણાટકના રાજકીય નાટક પર સોમવારના દિવસે સંસદના બંને ગૃહોમાં પણ હોબાળો રહ્યો હતો. અહીં સવાલ રાજકીય ડ્રામેબાજીનો રહ્યો નથી. સવાલ એ થાય છે કે સત્તા હાંસલ કરવા માટે આ પ્રકારના ગઠબંધનની રચના કરવાની જરૂર જ શુ છે ? રાજ્યમાં ૩૭ ધારાસભ્યો ધરાવનાર જેડીએસના મુખ્યપ્રધાન છે અને ૭૮ ધારાસભ્યો ધરાવનાર કોંગ્રેસના નાયબ મુખ્યપ્રધાન છે. આ બાબત જ પહેલા તો ગળે ઉતરતી નથી. માત્ર ભારતીય જનતા પાર્ટીને રોકવા માટે આ ગઠબંધનની રચના કરવામાં આવી હતી. જે સ્વાભાવિક રીતે જ ખુબ અયોગ્ય ઉપરથી જ દેખાઇ આવે છે. વિધાનસભા ચૂંટણીમાં એકબીજાની સામે લડેલા કોંગ્રેસ અને જેડીએસે સાથે મળીને સરકારની રચના કરી હતી. પરિણામ ઇચ્છિત ન રહ્યા બાદ બંનેએ સાથે મળીને સરકારની રચના કરી હતી. ગઠબંધન કહેવા માટે થઇ તો ગયુ પરંતુ તેના પરિણામ કર્ણાટકની પ્રજા ભોગવી રહી છે.
સરકારની તમામ તાકાત પોતાની સરકારને બચાવી લેવા માટે લાગેલી છે. પ્રજાલક્ષી કામ તો દેખાઇ રહ્યા નથી. કોઇ કામ થઇ રહ્યા નથી. કોંગ્રેસ પાર્ટી ભાજપ પર સરકારને ગબડાવી દેવાના પ્રયાસ કરવાનો આરોપ કરે છે. જો કે પોતાના ધારાસભ્યોને શિસ્તમાં ન રાખવા માટેના આરોપોનો જવાબ તો તેને આપવો જ પડશે. બાજપ કર્ણાટકના નાટકમાં પોતાના હાથ દર્શાવવા માટે ઇચ્છુક નથી. જો કે અસંતુષ્ટ ધારાસભ્યોને ચાર્ટર વિમાન મારફતે મુંબઇમાં પહોંચાડી દેવાની ભાજપના નેતાઓની ભૂમિકા કોઇનાથી છુપાયેલી નથી. ભારતીય જનતા પાર્ટીના લોકો પરદા પાછળથી એવા તમામ કામ કરી રહ્યા છે જેના કારણે તેમની સરકાર ગબડી પડે. ૧૪ ધારાસભ્યોના રાજીનામ અને ૩૧ પ્રધાનોના રાજીનામા બાદ પરિણામ શુ રહેશે તે અંગે વાત કરવી હાલમાં વહેલી તકે રહેશે પરંતુ જા સરકાર બચી જશે તો પણ ફરી આવુ સંકટ થશે નહીં તેની શુ ગેરંટી રહેલી છે. કર્ણાટકમાં રાજકીય રમત ખુરશી માટે રમાઇ રહી છે. તમામ સત્તાના લાલચમાં દેખાઇ રહ્યા છે.