અમદાવાદ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના નવા કેસો સપાટી પર આવ્યા છે. એકાએક હવામાનમાં પલટા વચ્ચે હાલમાં વરસાદી માહોલ છવાયો છે. આ પહેલા ભીષણ ગરમી પડી હતી. જુલાઈ મહિનામાં તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં ઝાડા-ઉલ્ટીના ૨૦૩ અને ટાઈફોઈડના ૧૫૩ કેસ સપાટી પર આવ્યા છે. કમળાના ૬૮ કેસ નોંધાઈ ગયા છે. છઠ્ઠી જુલાઈ સુધીના ગાળામાં ઝાડા-ઉલ્ટીના મોટી સંખ્યામાં કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. જુન ૨૦૧૯માં કોલેરાના ૧૫ કેસ નોંધાતા ખળભળાટ મચી ગઈ છે.
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગ જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના આંકડા ઉપર નજર કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૦૬ દિવસના ગાળામાં સત્તાવાર રીતે ૬૪ કેસ અને ઝેરી મેલેરીયાના ૦૫ કેસ નોંધાઈ ગયા છે. જુલાઈ ૨૦૧૮માં ૩૪૦૭ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે છઠ્ઠી જુલાઈ ૨૦૧૯ સુધીમાં ૨૫૧ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે સિરમ સેમ્પલની વાત કરવામાં આવે તો જુલાઈ ૨૦૧૮માં ૧૧૬૦૮૦ સિરમ સેમ્પલની સામે છઠ્ઠી જુલાઈ ૨૦૧૯ સુધીમાં ૨૦૩૭૫ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે.
ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેમાં ક્લોરિન ટેસ્ટ, બેક્ટીરીયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂના, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓના વિતરણ જેવા પગલા સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત નમૂનાઓના ટેસ્ટ પણ લેવાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ માસે સાવચેતીના પગલા રૂપે ૨૨૫૮૦ ક્લોરિન ગોળીઓનુ વિતરણ થયું છે.