ભોપાલ : લોકસભા ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ છાવણીમાં ઉથલપાથલનો દોર જારી રહ્યો છે. પહેલા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાહુલ ગાંધીએ અને હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ રાજીનામુ આપી દીધું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના મહાસચિવપદેથી રાજીનામુ આપી દીધું છે. પોતાના ઓફિશિયલ ટવિટર એકાઉન્ટથી સિંધિયાએ આ અંગેની માહિતી આપી છે.
સિંધિયાએ કહ્યું છે કે, જનાદેશનો સ્વીકાર કરીને અને જવાબદારી સ્વીકારીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહાસચિવ પદેથી રાજીનામુ રાહુલ ગાંધીને સોંપી દીધું છે. તેમના પર વિશ્વાસ કરીને મોટી જવાબદારી આપવા બદલ તેઓ રાહુલ ગાંધીનો આભાર માને છે. સિંધિયાએ કહ્યું છે કે, રાજીનામુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને આઠ ૧૦ દિવસ પહેલા મોકલ્યું હતું. આજે રાજીનામુ આપ્યું નથી. જ્યોતિરાદિત્ય સિંધિયા લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તરપ્રદેશના પ્રભારી હતા. તમામ દાંવપેચ રમવામાં આવ્યા હોવા છતાં કોંગ્રેસને ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને માત્ર એક સીટ મળી હતી.