શ્રીનગર : જ્મ્મુ કાશ્મીરના ભુતપૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપીના નેતા મહેબુબા મુફ્તિએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કરી દીધુ છે. મુફ્તિએ અમરનાથ યાત્રાની વ્યવસ્થાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. મુફ્તિનો આરોપ છે કે વ્યવસ્થાના કારણે કાશ્મીર ખીણના લોકોને ખુબ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. દોઢ મહિના સુધી અમરનાથ યાત્રા આ વખતે ચાલનાર છે. અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદ એક સપ્તાહના ગાળામાં જ એક લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. મુફ્તિએ કહ્યુ છે કે વર્ષોથી અમરનાથ યાત્રા ચાલી રહી છે.
જો કે કમનસીબ રીતે આ વખતે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે કાશ્મીરના લોકોની વિરુદ્ધમાં છે. સ્થાનિક લોકોની દરરોજની લાઇફને આના કારણે પ્રતિકુળ અસર થઇ રહી છે. આ મામલે દરમિયાનગીરી કરવા માટે રાજ્યપાલને પણ અપીલ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે જમ્મુથી ભગવતીનગર યાત્રી નિવાસથી શ્રદ્ધાળુઓની ટુકડી નિયમિત રીતે રવાના થઇ રહી છે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ગઇકાલે કહ્યુ હતુ કે સ્થાનિક મુસ્લિમોના સમર્થન અને સહાયના કારણે હિન્દુ તીર્થ યાત્રા શક્ય બની શકી છે. મહેબુબાના નિવેદનના કારણે લોકોમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે. અમરનાથ યાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વખતે અન્ય વર્ષો કરતા વધારે સુરક્ષા રખાઇ છે.