આગરા : ઉત્તરપ્રદેશના આગરાના યમુના એક્સપ્રેસ વે પર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૯ પ્રવાસીઓના મોત થઇ ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા. ઉત્તરપ્રદેશમાં હાલના વર્ષોની આને સૌથી મોટી દુર્ઘટના તરીકે ગણવામાં આવે છે. લખનૌથી દિલ્હી તરફ જતી એક ડબલ ડેકર રોડવેઝ બસ યમુના એક્સપ્રેસ વે પરથી ૩૦ ફુટ ઉંડા નાળામાં પડી જતા આ દુર્ઘટના થઇ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૨૯ લોકોના મોત થઇ ગયા છે. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે ડ્રાઇવરને ઝપકી આવી જતા આ ભીષણ દુર્ઘટના સર્જાઇ હતી. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. જો કે દુર્ઘટનાના વાસ્તવિક કારણમાં તપાસ ચાલી રહી છે.
ડીએમ એનજી રવિ કુમારે કહ્યુ છે કે ડ્રાઇવરને બસ ચલાવતી વેળા ઉંઘ માટે ઝોંકો આવી જતા આ દુર્ઘટના થઇ હતી. બીજી બાજુ આ ભીષણ અકસ્માત અંગે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દુખ વ્યક્ત કરીને દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકોના નજીકના સંબંધીને પાંચ પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. સાથે સાથે આ અકસ્માતમાં તપાસ કરવા માટે ત્રણ સભ્યોની કમિટીની રચના પણ કરી દીધી છે. મુખ્યપ્રઘાને આ સમિતીને માત્ર ૨૪ કલાકમાં અહેવાલ આપવા માટેનો આદેશ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ અવધ ડેપોની રોડવેઝની બસ રવિવારના દિવસે રાત્રે દસ વાગે આલમબાગ રોડવેઝ બસ સ્ટેન્ડથી પ્રવાસીઓને લઇને દિલ્હીથી રવાના થઇ હતી. આ બસ લખનૌ એક્સપ્રેસ વે અને ઇનર રિંગ રોડ થઇને વહેલી પરોઢે ચાર વાગ્યાની આસપાસ બસ યમુના એક્સપ્રેસ વે પર પહોંચી હતી. એમ માનવામાં આવે છે કે અહીંથી બે ત્રણ કિલોમીટરના અંતરે આગળ વધતાની સાથે જ ડ્રાઇવરને ઝોંકો આવી ગયો હતો. જેથી બસ બિન નિયંત્રિત થઇને યમુના એક્સપ્રેસ વેની ચાર ફુટ ઉંચી રેલિંગ તોડીને ૩૦ ફુટ ઉંડા નાળામાં પડી હતી.
એમ માનવામા આવે છે કે બસમાં આશરે ૪૦થી ૪૫ યાત્રી હતા. બનાવના વખતે મોટા ભાગના યાત્રી નીંદમાં હતા. કોઇને બુમ પાડવાની પણ તક મળી ન હતી. ગામની એક વ્યક્તિએ જોરદાર અવાજ સાંભળતા તમામને જાણ કરી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ ગયા હતા. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજી બાજુ દુર્ઘટનાગ્રસ્ત બસ નાળામાં ખાબકી ગયા બાદ ઉંઘી વળી ગઇ હતી. જેથી તમામ યાત્રી અંદર ફસાઇ ગયા હતા. અકસ્માતના આશરે બે કલાક બાદ જેસીબી અને ક્રેન ઘટનાસ્થળે પહોંચી ગયા બાદ બસમાંથી યાત્રીઓને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બસને સીધી કરીને તમામ યાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. મોટા ભાગના લોકોના મોત થઇ ગયા હતા. મૃતકોની ઓળખવિધીની પ્રક્રિયા મોડેથી કરવામાં આવી હતી. તમામ મૃતદેહોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આગરાના ડીએમ એનજી રવિ કુમારે કહ્યુ છે કે આ અકસ્માતમાં એક બાળકી અને ૧૫ વર્ષની એક યુવતિ સહિત ૨૯ લોકોના મોત થઇ ચુક્યા છે. ઘાયલ થયેલા ૧૮ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.
જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જેથી મોતનો આંકડો વધી શકે છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યુ છે કે બસ પુર ઝડપે જઇ રહી હતી. એ ગાળા દરમિયાન ડ્રાઇવરને ઉંઘ આવી ગઇ હતી. ડ્રાઇવરે કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરીને ઘાયલ થયેલા લોકોને તમામ સારવાર આપવા માટેના આદેશ જારી કર્યા છે. બીજી બાજુ નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્મા અને પરિવહન પ્રધાન સ્વતંત્ર દેવ સિંહ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અકસ્માત અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. ભોગ બનેલા ઘાયલ લોકોને તમામ જરૂરી સહાયતા આપવા માટેના આદેશ પણ મોદીએ રાજ્ય સરકાર અને સંબંધિત તંત્રને આપ્યા છે.