લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીએ બેરોજગારીનો મુદ્દો ઉઠાવીને વડાપ્રધાન મોદી અને ભાજપ સરકારની ઉઘ હરામ કરી હતી. તમામ નિષ્ણાંતો અને યુવાનો પણ બેરોજગારી દુર થાય તે દિશામાં પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરી રહ્યા હતા. પ્રચંડ બહુમતિ સાથે મોદી સરકાર સતત બીજી વખત સત્તામાં આવ્યા બાદ એમ માનવામાં આવી રહ્યુ હતુ કે પહેલા જ બજેટમાં સરકાર રોજગારને લઇને કેટલીક મોટી અને સ્પષ્ટ જાહેરાત કરશે.
જો કે આવી કોઇ જાહેરાત બજેટમાં દેખાઇ રહી નથી. રોજગાર વધારી દેવા માટેની કોઇ રૂપરેખા પણ આમાં રજૂ કરવામાં આવી નથી. એમ માનવામાં આવી રહ્યુ હતુ કે દેશમાં સૌથી વધારે પ્રમાણમાં રોજગારની તક ઉબી કરનારપ કંપનીઓને કરવેરામાં રાહત આપવામાં આવશે. જો કે આવા કોઇ પગલા લેવામાં આવ્યા નથી. બેરોજગારીને કઇ રીતે કાબુમાં લેવામાં આવશે અને હાલમાં ક્યા પગલા લેવામાં આવી રહ્યા છે તે સંબંધમાં કોઇ વાત કરવામાં આવી નથી. આગામી દિવસોમાં આ બેરોજગારીનો મામલો સરકારને વધુ ભીંસમાં મુકી શકે છે.
બીજી બાજુ સરકારી વિભાગોંમાં ખાલી રહેલી જગ્યાઓને ભરવા અને તે દિશામાં પહેલ કરવાની કોઇ વાતનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો નથી. આ તમામ બાબતો નિરાશા જગાવે છે. લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારને પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં રહેવા માટે લોકોએ તક આપી છે. જો કે સરકારે પ્રથમ બજેટમાં રોજગારી અંગે કોઇ નક્કર વાત અને દિશા ન દર્શાવ્યા બાદ નિરાશા રહે તે સ્વભાવિક છે. બેરોજગારી હાલમાં સૌથી મોટી સમસ્યા પૈકી એક છે. જેને ગંભીરતાપૂર્વક હાથ ધરવામાં આવે તે જરૂરી છે. મોદી સરકાર આ મુદ્દે હજુ ઉદાસીન છે જે તેની તકલીફ હવે ચોક્કસપણે વધારરશે.