વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં ભાજપના સભ્ય નોંધણી અભિયાનની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે તેમની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના કારોબારી પ્રમુખ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદી આજે વારાણસી પહોંચી ગયા હતા.સવારે વારાણસી પહોંચ્યા બાદ તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પર્યાવરણને લઈને પણ સંદેશો પણ આપ્યો હતો. ભાજપના સભ્ય નોંધણી અભિયાનની શરૂઆત કરાવતા પહેલા મોદીએ વૃક્ષારોપણ સંબંધિત કાર્યક્રમમાં જાડાયા હતા. છોડ વાવીને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, પર્યાવરણના જતનની બાબત પણ ખુબ મહત્વપૂર્ણ બની ગઈ છે.
બીજી બાજુ ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇતેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ ઓવૈસીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, નફરતના માહોલમાં પાંચ ટ્રિલિયન ડોલરનુ અર્થતંત્ર કઈ રીતે બની શકે છે. ઓવૈસીએ કહ્યું હતું કે, દેશમાં ૧૭ કરોડ મુસ્લિમોની સામે નફરતની ભાવના ફેલાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પાંચ ટ્રિલિયન ડોલરનુ અર્થતંત્ર કઈ રીતે બની શકે છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભીડ દ્વારા માર મારીને હત્યા કરી નાંખવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આવી ઘટનાઓની રોકવા માટે કેન્દ્ર સરકારે કાયદો બનાવવાની દિશામાં પહેલ કરવી જોઈએ. ઓવૈસીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને કાનુન માટે મુસદ્દો તૈયાર કરવા એક વર્ષ પહેલા વાત કરી હતી પરંતુ હજુ સુધી કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી.
તેમને કહ્યું હતું કે, ભીડ દ્વારા માર મારીને હત્યા કરવામાં સામેલ રહેલા લોકો એક પ્રકારના આતંકવાદી છે. આ પ્રકારની ઘટનાઓ મુસ્લિમ સમુદાયના લોકો સામે નફરત ફેલાવવાના પરિણામ સ્વરૂપે મળી રહી છે. ઓવૈસીએ આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે માંગ કરી હતી.સાથે સાથે પોતાની બંધારણીય જવાબદારી અદા કરવા માટે સરકારને અપીલ કરી હતી. ઓવૈસીએ જુદી જુદી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. ઓવૈસીએ કહ્યું હતું કે, ઝારખંડમાં ભાજપ સરકાર સત્તામાં છે. અહીં ચાર વર્ષના ગાળા દરમિયાન ૧૮ લોકોના મોત થયા છે. જે પૈકી ૧૧ મુસ્લિમ લોકો છે. ઝારખંડમાં તબરેજ અંસારીની હાલમાં કરવામાં આવેલી હત્યાના વિરોધમાં શુક્રવારે મોડી રાત્રે એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હૈદરાબાદના સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. એમણે કહ્યું હતું કે, છેલ્લા પાંચવર્ષના ગાળામાં ૫૦થી વધુ લોકોના મોત ભીડ દ્વારા માર મારવાની ઘટનામાં થયા છે. જે પૈકી મોટા ભાગના મુસ્લિમ સમુદાયના લોકો છે. ૨૩મી મે બાદથી ભાજપ ફરી સત્તામાં આવ્યા બાદ ૮ લોકોના મોત આ પ્રકારની ઘટનામાં થયા છે.