નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામને આજે પોતાનું પ્રથમ બજેટ રજૂ કરતી વેળા કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી જેના ભાગરુપે ઇન્સ્યોરન્સ, મિડિયા, ઉડ્ડયન અને સિંગલ બ્રાન્ડ રિટેલ જેવા સેક્ટરોમાં એફડીઆઈ નિયમોમાં છુટછાટ આપવાની જાહેરાત કરી છે. મોદી સરકારે પોતાની બીજી અવધિમાં પ્રથમ બજેટમાં એફપીઆઈને લઇને મોટા સુધારાનો સંકેત આપી દીધો છે. ઇન્સ્યોરન્સ સેક્ટરને ૧૦૦ ટકા પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ માટે ખોલી દેવામાં આવશે. ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ૧૦૦ ટકા એફડીઆઈની મંજુરી સાથે આની શરૂઆત થઇ ગઇ છે. નાણામંત્રી નિર્મલા સીતારામને પોતાના બજેટ ભાષણમાં જુદા જુદા સેક્ટરોમાં એફડીઆઈ સાથે જોડાયેલા નિયમોમાં છુટછાટના સંકેત આપ્યા હતા.
નાણામંત્રીએ કહ્યું હતું કે, દુનિયાભરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં છેલ્લા ત્રણ વર્ષના ગાળા દરમિયાન ઘટાડો થયો હોવા છતાં ભારતમાં ૨૦૧૮-૧૯માં પ્રત્યેક્ષ વિદેશી રોકાણ અથવા તો એફડીઆઈમાં છ ટકાનો વધારો થતાં આ આંકડો ૬૪ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. ભારતને પ્રત્યક્ષ વિદેશી રોકાણ માટે આકર્ષક કેન્દ્ર બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. નિર્મલા સીતારામને કહ્યું હતું કે, સરકાર એવિએશન, મિડિયા, વિમા ક્ષેત્રમાં એફડીઆઈ વધારવાના સંદર્ભમાં સંબંધિત પક્ષો સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય કરશે. ઇન્સ્યોરન્સ ઇન્ટરમિડિયા એટલે કે વિમા મધ્યસ્થી ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઈને મંજુરી આપવામાં આવી રહી છે.
હાલમાં એફડીઆઈ પોલિસીના ભાગરુપે વિમા સેક્ટરમાં ૪૯ ટકા એફડીઆઈને મંજુરી છે. ઇન્સ્યોરન્સ બ્રોકર્સને ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ટરમિડિયા તરીકે જોવામાં આવે છે. આમા ૧૦૦ ટકા એફડીઆઈને મંજુરી રહેશે. આવી જ રીતે મિડિયા સેક્ટરમાં એફડીઆઈની મર્યાદા જે ૨૬ ટકા છે તેને વધારાશે.