નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામને મોદી સરકાર-૨નું પ્રથમ બજેટ આજે રજૂ કર્યું હતું. બે કલાક અને ૧૦ મિનિટના ભાષણમાં નિર્મલા સીતારામને અનેક નવી યોજનાઓની જાહેરાત કરી હતી. સાથે સાથે કેટલીક ચીજો જે દરરોજ કામમાં આવે છે તેવી ચીજોને લઇને પણ ઘટાડા અને વધારાની જાહેરાત કરી હતી. એકબાજુ બજેટ બાદ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. સરકારે બંને ચીજવસ્તુઓની એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરી દીધી છે જેથી પેટ્રોલ અને ડિઝલની કિંમત વધી જશે. સાથે સાથે સોનાની આયાત ડ્યુટી ઉપર ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરી દીધી છે. સાથે સાથે સોનાની આયાત પર વધારો કરતા સોના અને દાગીનાઓની કિંમતમાં પણ વધારો થશે.
બજેટમાં ઓટો પાટ્ર્સ, સિન્થેટિક રબ્બર, પીવીસી અને ટાઇલ્સની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે તમાકુ અને તેની પેદાશોની ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે જેથી તેની કિંમતોમાં વધારો થશે. સોના અને ચાંદીના દાગીનાના લીધે પણ લોકોને વધુ ખર્ચ કરવો પડશે. ઓપ્ટિકલ ફાઇબર, સ્ટેનલેસ પ્રોડક્ટ, ફ્રેમ અને ચીજવસ્તુઓ, એરકન્ડીશનર, લાઉડ સ્પીકર, વિડિયો રેકોર્ડર, સીસીટીવી કેમેરા, વાહનના હોર્ન, સિગારેટની કિંમતમાં પણ વધારો કરી દીધો છે. આયાત કરવામાં આવતા ઓટો પાટ્ર્સ, પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, આયાત કરવામાં આવતા મોંઘા પુસ્તકોની કિંમતમાં પણ વધારો થઇ ગયો છે જેની આવાસ બજેટ ઉપર સીધી અસર થશે જ્યારે જે ચીજવસ્તુઓ સસ્તી બની ગઈ છે તેમાં ઇલેક્ટ્રિક વાહનો, લેધરની વસ્તુઓ, ડિફેન્સ સાધનો, ૪૫ લાખ સુધીના આવાસ, મોબાઇલ ફોનની કિંમતોમાં ઘટાડો થયો છે. ઇલેક્ટ્રિક કારને પ્રોત્સાહન આપવા સરકારે ઇલેક્ટ્રિક કારોની ખરીદી પર જીએસટીના દરમાં ઘટાડો કરીને ૧૨ ટકાના બદલે ૫ ટકા કરી દીધો છે.
ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે લોનના વ્યાજદરમાં ઇન્કમટેક્સના ૧.૫ લાખ રૂપિયાની છુટછાટ આપવામાં આવી છે. સાથે સાથે બજેટમાં હોમ લોન સસ્તા કરવામાં આવ્યા છે. ૪૫ લાખ રૂપિયા સુધીના આવાસ પર સાડા ત્રણ લાખ રૂપિયાની છુટછાટ આપવામાં આવી છે. સાબૂ, શેમ્પૂ, હેરઓઇલ, ટુથપેસ્ટ, ડિટજન્ટ વોશિંગ પાઉડર, વિજળીની ચીજવસ્તુઓ, પંખા, લેમ્પ, બ્રિફકેશ, યાત્રી બેગ, સેનેટરી વેર, બોટલ, કન્ટેઇનર, રસોઈમાં ઉપયોગમાં આવનાર વાસણો ઉપરાંત જુદા જુદા બેડના બિસ્તરો, ચશ્માના ફ્રેમ, વાંસના ફર્નિચર, પાસ્તા, નમકીન, નારિયેળ, ઉની વસ્ત્રો અને ઉની ચીજોને સસ્તી કરી દીધી છે. આ ચીજવસ્તુઓ વધુ સસ્તી પડશે. આના કારણે લોકોને સીધીરીતે રાહત મળવાની શક્યતા દેખાઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને તેમનું પ્રથમ બજેટ રજૂ કરતી વેળા કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. બજેટમાં ડ્યુટી માળખામાં ફેરફાર કરવામાં આવ્યા બાદ તેની અસર સીધીરીતે જોવા મળશે. સીસીટીવીને વધુ મોંઘા કરવામાં આવ્યા છે. સોના-ચાંદીની ચીજવસ્તુઓ વધારે મોંઘી બની ગઈ છે.