કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓને મોટી રાહત પહોંચાડી છે. સરકારે મોંઘવારી ભથ્થા (ડીએ)માં બે ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રના આ નિર્ણયથી લાખો કર્મચારીઓ તથા પેન્શનદારોને લાભ થશે. કેન્દ્રીય કેબિનેટની બુધવારે યોજાયેલી બેઠકમાં આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટના આ નિર્ણથી 48.41 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનદારોને લાભ થશે. પહેલી જાન્યુઆરી 2018થી ડીએમાં આ વધારો અમલી બનશે. ઉગ્ર બનતી જતી મોંઘવારીમાં રાહત પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે.
આ મોંઘવારી ભથ્થાથી સરકારી તિજોરી પર વાર્ષિક 6,077.72 કરોડ રૂપિયા અને વર્ષ 2018-19 ( જાન્યુઆરી 2018થી ફેબ્રુઆરી 2019 ના 14 મહિનાના સમય માટે) માં 7,090.68 કરોડ રૂપિયાનો બોજો પડશે. હાલ કેન્દ્રીય કર્મચારીઓને મૂળ પગારના પાંચ ટકા ડીએ આપવામાં આવે છે. મોંઘવારી ભથ્થાની આ વૃદ્ધિ સ્વીકારેલા ફોર્મ્યુલા અનુસાર છે. આ ફોર્મ્યુલા 7માં કેન્દ્રિય પગાર પંચ આયોગની ભલામણો પર આધારિત છે.