નવીદિલ્હી : ઇમાનદાર કરદાતાઓને રાજનેતાઓની જેમ જ સન્માન આપવા અથવા તો તેમના નામ ઉપર કોઇ માર્ગ અથવા તો અન્ય જગ્યાએ નામાંકન કરવાનું સૂચન આર્થિક સર્વેમાં કરવામાં આવ્યું છે. દેશના ઇમાનદાર કરદાતાઓ માટે કેટલાક સૂચનો આર્થિક સર્વેમાં કરવામાં આવ્યા છે. દેશમાં વધુને વધુ લોકો ટેક્સ ચુકવી શકે તેને પ્રોત્સાહન આપવા માટે કેટલાક વિશેષ પગલા લેવાની ભલામણ સર્વેમાં કરવામાં આવી છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, સામાન્યરીતે એવું જોવામાં આવ્યું છે કે, લોકો પોતાના સોશિયલ સ્ટેટસને દર્શાવવા માટે મોંઘી ચીજો ખરીદતા રહે છે.
આને ધ્યાનમાં લઇને હવે દરેક શહેરના ૧૦ સૌથી વધારે ટેક્સ ચુકવનારને સન્માનિત કરવામાં આવશે. ઇમાનદાર ટેક્સ ચુકવનારને એરપોર્ટમાં બોર્ડિગ દરમિયાન ખાસ સુવિધાઓ આપવામાં આવશે. માર્ગો ઉપર ફર્સ્ટલેનમાં ચાલવાની સુવિધા અને ટોલ બૂથ ઉપર વિશેષ સુવિધાઓ આપવામાં આવશે. આવી જ રીતે નેતાઓની જેમ જ ઇમિગ્રેશન કાઉન્ટર ઉપર ખાસ લાઈનમાં ઉભા રહેવાનું સૂચન કરાયું છે.
એક દશકમાં સૌથી વધારે ટેક્સ આપનારનું નામ કોઇ મહત્વપૂર્ણ ઇમારત, સ્મારક, માર્ગ, ટ્રેન, હોસ્પિટલ, યુનિવર્સિટી અથવા તો એરપોર્ટના નામાંકન સાથે જાડવામાં આવશે. આવી જ રીતે ઇમાનદાર અને મોટાપ્રમાણમાં ટેક્સ ચુકવનાર માટે ખાસ ક્લબ બનાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. આ પ્રકારના પગલાથી સમાજમાં એવો સંદેશ જશે કે ઇમાનદારીથી ટેક્સ ચુકવનારનું ખુબ સન્માન થઇ રહ્યું છે.