અમદાવાદ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ભગવાન જગન્નાથની રથયાત્રા આવતીકાલે અમદાવાદ શહેરમાં ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચ પરંપરાગત રૂટ પર નિકળનાર છે. ૧૪૨ રથયાત્રાને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના મોટા સંતો-મહંતો અને કુંભમેળાના સાધુ-સંતો હાજરી બહુ નોંધનીય બની રહેશે.
ભગવાનના ત્રણેય રથોનું વિધિવત્ પૂજન સંપન્ન
આવતીકાલે શહેરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ રથોમાં બેસી નગરચર્યાએ નીકળે તે પહેલાં આજે ભગવાન જગન્નાથજી મંદિર, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના ત્રણેય રથોનું આજે વૈદિક મંત્રોચ્ચાર અને શા†ોક્ત વિધિ સાથે વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું. ત્રણેય રથોની પૂજામાં હનુમાનજી દાદાને ખાસ આહ્વવાહન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, તમામ દેવી-દેવતાઓને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાવા હૃદયપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું હતું.
અમિત શાહની મુલાકાતને લઇ પરંપરા બદલાઇ
રથયાત્રાના ૧૪૨ વર્ષના ઇતિહાસમાં આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અમદાવાદ મુલાકાતને લઇ રથયાત્રાની પરંપરામાં થોડા બદલાવ નોંધાયો હતો. ભગવાનના ત્રણેય રથોના પૂજન બાદ શાંતિ સમિતિના સભ્યોએ ચાર વાગ્યે મંદિરની મુલાકાત લઇ મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. એ પછી દર વર્ષે રથયાત્રાના આગલા દિવસની સાંજે રાજયના મુખ્યમંત્રી ભગવાન માટે પરંપરાગત પ્રસાદ ખીચડી-પ્રસાદની સામગ્રી કોળા, ગવારફળીનું શાક અને ચોખા-દાળ વગેરે લઇને આવતાં હોય છે અને મહંત શ્રીને તે અર્પણ કરતા હોય છે પરંતુ આજે અમિત શાહના બપોરે એરપોર્ટ પર આગમન, શહેરમાં ઇન્કમટેક્ષ બ્રીજના ઉદ્ઘાટન સહિતના અન્ય કાર્યક્રમનો લઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આ શીડ્યુલ બદલાયું હતું અને તેઓ આજે બપોરે વહેલા જ તેમના પત્ની સાથે જગન્નાથજી મંદિરમાં દર્શન કરવા આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ તેમના પત્ની અંજલિ સાથે ભગવાનની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા. દરમ્યાન રાત્રે ૮-૦૦ વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું હતું. જેમાં રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂમંત્રી કૌશિક પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
મુસ્લિમ આગેવાનોએ પણ મહંતશ્રીની મુલાકાત લઇ શુભેચ્છા પાઠવી
દરમ્યાન આજે સાંજે ચાર વાગ્યે મુસ્લિમ સમાજના આગેવાનો અને ઇદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમીટીના ચેરમેન રફીક નગરી, હબીબ મેવ, મહંમદહુસૈન શેખ, જીપી ચાવલા, જાવેદ શાહીવાલ સહિતના આગેવાનોએ જગન્નાથજી મંદિરની મુલાકાત લીધી હતી અને મહંતશ્રી અને ટ્રસ્ટીઓને મળી આવતીકાલે શહેરમાં ભારે શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં પરંપરાગત રથયાત્રા નીકળે તે માટેની શુભેચ્છા પાઠવી હતી. મુસ્લિમ વિસ્તારોમાં પણ રથયાત્રામાં પૂરતો સાથ-સહકાર આપવાની તેમણે તત્પરતા દર્શાવી હતી. ટ્રસ્ટીઓ તરફથી મુસ્લિમ બિરાદરોનું સ્વાગત-સન્માન કરી તેઓને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. રથયાત્રાને લઇ આવતીકાલે મુસ્લિમ વિસ્તારોમાં લગભગ જનતા સ્વયંભુ જનતા કર્ફયુ પાળવામાં આવશે કે જેથી રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પસાર થઇ શકે.