નવીદિલ્હી : કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વને લઇને ચાલી રહેલી અટકળો પર રાહુલ ગાંધીએ આખરે પૂર્ણવિરામ મુકી દીધો છે. રાહુલ ગાંધીએ ચાર પાનામાં પત્ર લખીને કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે કામ કરવાની બાબત તેના માટે સૌથી મોટા સન્માન તરીકે છે. રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં એમ પણ કહ્યું છે કે, પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવા માટે કેટલાક કઠોર પગલા લેવા પડશે. પોતાના પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે ૨૦૧૯ની ચૂંટણીમાં મળેલી હાર માટે તેઓ જવાબદારી સ્વીકારે છે.
અમા૩ી પાર્ટીના ભાવિ માટે જવાબદારી ખુબ જરૂરી છે. આજ કારણસર કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું છે. પાર્ટીને ફરીથી બેઠી કરવા માટે કઠોર નિર્ણય લેવા પડશે. ઘણા બધા લોકોને જવાબદાર ઠેરવવાની જરૂર છે. આવી સ્થિતિમાં આ બિલકુલ પણ યોગ્ય નથી કે, તેઓ બીજા લોકોને જવાબદાર ઠેરવી રહ્યા છે. પાર્ટી અધ્યક્ષ તરીકે પોતાની જવાબદારીને તેઓ અદા કરતા આવ્યા છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, પાર્ટીમાં ઘણા બધા સાથીઓએ એવું સૂચન કર્યું હતું કે, આગામી પાર્ટી અધ્યક્ષના નામનો ઉલ્લેખ કરે જ્યારે જરૂરી બાબત એ છે કે, કોઇ નવી વ્યક્તિ પાર્ટીનું નેતૃત્વ કરે. પાર્ટી યોગ્ય નિર્ણય લેશે. રાહુલ ગાંધીએ વહેલીતકે નવા અધ્યક્ષને ચૂંટી કાઢવા સૂચના આપી છે. તેમણે કહ્યું છે કે, રાજીનામુ આપ્યા બાદ સાથીઓને તેમની સલાહ છે કે, આગામી અધ્યક્ષની ચૂંટણી વહેલીતકે કરવામાં આવે. તેઓ આ અંગે મંજુરી આપી ચુક્યા છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે, તેમની લડાઈ ક્યારે પણ સત્તા માટે સામાન્ય લડાઈ રહી નથી. તેમના મનમાં ભાજપની સામે પણ કોઇ નફરત નથી પરંતુ તેમના શરીરના એકએક અંગ ભાજપની વિચારધારાનો વિરોધ કરે છે. આ લડાઈ આજની નથી વર્ષોની લડાઈ છે.
ભાજપના લોકો અલગરીતે જુએ છે જ્યારે તેઓ સમાનતા જુએ છે. ભાજપના લોકો નફરત નિહાળે છે પરંતુ તેઓ પ્રેમ નિહાળે છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું છે કે, તેઓ આ યુદ્ધમાંથી પીછેહઠ કરી રહ્યા નથી. કોંગ્રેસ પાર્ટીના એક સાચા સિપાહી અને ભારતના સમર્પિત પુત્ર તરીકે છે. અંતિમ શ્વાસ સુધી પાર્ટીની સેવા કરશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે મજબૂત અને સન્માનજનકરીતે ચૂંટણી લડવા આગળ આવ્યા હતા. ચૂંટણી અભિયાન વેળા ભાઈચારા, સહિષ્ણુતા અને દેશના તમામ લોકોને સાથે લઇને ચાલવાની વાત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, એક સ્વતંત્ર ચૂંટણી માટે તમામ સંસ્થાઓ નિષ્પક્ષ રહે તે જરૂરી છે. કોઇપણ ચૂંટણી ફ્રી પ્રેસ, સ્વતંત્ર ન્યાયપાલિકા અને પારદર્શી ચૂંટણી પંચ વગર નિષ્પક્ષ હોઈ શકે નહીં.જો કોઇ એક પાર્ટીનું નાણાંકીય સંશાધનો પર પ્રભુત્વ રહે તો તે બાબત યોગ્ય નથી. ૨૦૧૯ની ચૂંટણી ખુબ જ નિર્ણાયક ચૂંટણી હતી.
અમે ૨૦૧૯માં કોઇ એક પાર્ટીની સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા ન હતા. વિપક્ષની સામે કામ કરી રહેલી દરેક સંસ્થા અને સરકારની પૂર્ણ મશીનરીની સામે અમે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. આ બાબત હવે સ્પષ્ટ થઇ ગઇ છે કે, અમારી સંસ્થાઓને નિષ્પક્ષતા હવે બાકી રહી નથી. દેશની સંસ્થાઓ ઉપર કબજા જમાવવામાં સંઘના લોકોનું સપનું પૂર્ણ થઇ ચુક્યું છે. દેશનું લોકતંત્ર નબળું થઇ રહ્યું છે જે દેશ માટે ખતરા સમાન છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે, આ સત્તા અધિકારનું પરિણામ એક હશે તો હિંસાનું સ્તર ઉપર જશે. દેશ માટે માત્ર પિડા રહેશે. બેરોજગારો, ખેડૂતો, યુવા લોકો, મહિલાઓ, આદિવાસી, લઘુમતિઓને આની કિંમત ચુકવવી પડશે. દેશના સન્માન સાથે સમજૂતિ થશે. પૈસા અને જુઠ્ઠાણાની તાકાતથી વાસ્તવિકતાની રોશનીને કમજોર કરી શકાય નહીં. પાર્ટીને મોટી સફળતા હાંસલ કરવા મોટા પરિવર્તન કરવા પડશે.