મુંબઈ : શેરબજારમાં આજે રેંજ આધારિત કારોબાર જોવા મળ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૨૩ પોઇન્ટ ઉછળીને ૩૯૮૩૯ની સપાટીએ રહ્યો હતો. એલએન્ડટી, આઈટીસી અને અન્ય શેરમાં તેજી જામી હતી. બ્રોડર નિફ્ટીમાં છ પોઇન્ટનો નજીવો સુધારો થતાં તેની સપાટી ૧૧૯૧૭ રહી હતી. તેમાં છ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૯૬૨ રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩૭ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૧૪૩૨૦ રહી હતી. સેક્ટરલ રીતે જોવામાં આવે તો આઈટીના શેરમાં દબાણની સ્થિતિ રહી હતી.
ઇન્ડેક્સ ૦.૯૦ ટકાના ઘટાડા સાથે રહ્યો હતો. ફાર્મા અને મેટલના કાઉન્ટરોમાં મંદી રહી હતી. નિફ્ટી પબ્લિક સેક્ટર બેંક ઇન્ડેક્સમાં ૧.૭૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. રિયાલીટી અને મિડિયા ઇન્ડેક્સમાં પણ નજીવો સુધારો રહ્યો હતો. બજેટ રજૂ કરવામાં આવે તેના બે દિવસ પહેલા શેર બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. ઓએમસીનાશેરમાં શરૂઆતી કારોબારમાં તેજી નોંધાઈ હતી. કારણ કે મંગળવારના સેશનમાં ક્રૂડની કિંમતમાં ચાર ટકાનો ઘટાડો રહ્યો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન તેમજ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરમાં ઉછાળો રહ્યો હતો.
ટાયર અને પેઇટ્સના શેરમાં પણ તેજી રહી હતી. દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનના શેરમાં સાત ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ટુરિઝમ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના શેરમાં ઇન્ટ્રા ડે દરમિયાન ભારે ઘટાડો રહ્યો હતો. તેના શેરમાં બે વર્ષની નીચી સપાટી જોવા મળી હતી. એશિયન શેરબજારમાં આજે ઘટાડો રહ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરને લઇને વાતચીત શરૂ થવાના સંકેત બાદ ખતરો ટળી રહ્યો છે. આજે કોમોડિટી માર્કેટમાં તેલ કિંમતોમાં સ્થિરતા રહી હતી. કારણ કે અગાઉના સેશનમાં તેલ કિંમતોમાં ઘટાડો રહ્યો હતો. સપ્ટેમ્બર ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૬૨.૯૨ની સપાટી જોવા મળી હતી. અત્રે નોંધનીય છે કે વિદેશી મૂડીરોકાણકારોએ જૂન મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં ૧૦૩૮૪ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે.
સતત પાંચમાં મહિનામાં વિદેશી મૂડીરોકાણકારો ખરીદદાર તરીકે રહ્યા છે. આર્થિક સુધારાઓની પ્રક્રિયા જારી રહેશે તેવી અપેક્ષા વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ જૂન મહિનામાં જંગી નાણાં ઠાલવી દીધા છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૨૨૭૨.૭૪ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૮૧૧૧.૮૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ મૂડીરોકાણનો આંકડો ૧૦૩૮૪.૫૪ કરોડ સુધી પહોંચી ગયો છે. વર્ષ ૨૦૧૯માં હજુ સુધી એફપીઆઈ દ્વારા ૮૭૩૧૨.૨૨ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. શેરબજારમાં ગઇકાલે ભારે ઉથલપાથલ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૩૦ પોઇન્ટ ઉછળીને ૩૯૮૧૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૪૫ પોઇન્ટ ઉછળીને ૧૧૯૧૦ની ઉંચી સપાટી પર રહ્યો હતો.