જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવાને મંજુરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : જોરદાર ચર્ચા બાદ આજે રાજ્યસભાએ જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી દીધી હતી. આગામી છ મહિના માટે આ નિર્ણય ત્રીજી જુલાઈના દિવસથી અમલી બનશે. આની સાથે જ રાજ્યસભાએ જમ્મુ અને કાશ્મીર રિઝર્વેશન બિલ ૨૦૧૯ને પણ મંજુરી આપી દીધી છે. આ બંને પ્રસ્તાવ ગયા શુક્રવારે લોકસભામાં પસાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે ચૂંટણીને લઇને સરકારના ઇરાદા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે જોરદાર જવાબ આપ્યો હતો અને રાષ્ટ્રપતિ શાસન મુકવાના આંકડા રજૂ કરતા કહ્યું હતું કે, કલમ ૩૫૬નો સૌથી વધારે ઉપયોગ કોંગ્રેસના શાસનકાળમાં થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બંને પ્રસ્તાવને શુક્રવારના દિવસે લોકસભામાં પાસ કરવામાં આવ્યા હતા. જોરદાર ધાંધલ ધમાલ વચ્ચે  લોકસભામાં શુક્રવારે જમ્મુ કાશ્મીર અનામત સુધારા બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું. આની સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમય છ મહિના સુધી વધારવા માટેનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. પહેલા રાષ્ટ્રપતિ શાસનની અવધિ ત્રીજી જુલાઈના દિવસે પૂર્ણ થનાર છે. કોંગ્રેસના સભ્યોએ આ બિલને લઇને જોરદાર હોબાળો મચાવ્યો હતો.

બીજી બાજુ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ચૂંટણી પંચ જ્યારે પણ કહેશે ત્યારે જમ્મુ કાશ્મીરમાં નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી યોજવામાં આવશે. અમિત શાહે બિલના સમર્થનની વાત કરતા કહ્યું હતું કે, મોદી સરકારની આતંકવાદની સામે ઝીરો ટોલરન્સની નીતિ રહી છે. દેશની સરહદોની સુરક્ષા થાય તથા દેશ આતંકવાદથી મુક્ત થાય તેવી અમારી યોજના રહેલી છે. કોંગ્રેસ પાર્ટીએ આ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસી નેતા મનિષ તિવારીએ કહ્યું હતું કે, ભાજપ અને પીડીપીના ગઠબંધનના કારણે એવી સ્થિતિ બની છે કે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મર્યાદા વધારવાની ફરજ પડી છે.

Share This Article