ટ્રેન્ટબ્રિજ : ઓલરાઉન્ડર વિજય શંકરને પગમાં ઇજા થતાં તે પણ આઈસીસી વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે. નેટ પ્રેક્ટિસ દરમિયાન જસપ્રિત બુમરાહનો બોલ વાગ્યા બાદ તે પહાર થઇ ગયો છે. તેની જગ્યાએ મયંક અગ્રવાલને તક આપવામાં આવી શકે છે. ઇજા શરૂઆતમાં ગંભીર દેખાઈ રહી ન હતી પરંતુ મોડેથી ગંભીર ઇજા હોવાના અહેવાલ આવ્યા હતા. બીસીસીઆઈએ હવે મયંક અગ્રવાલને વિકલ્પ તરીકે તક આપવા માટે વિચારી રહી છે. વિજય શંકરને પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયા બાદ છેલ્લી મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. તેની જગ્યાએ રિષભ પંતને તક અપાઈ હતી.
આ પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે, તેની ઇજા ગંભીર નથી. જો કે, હવે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, વિજય શંકર પણ ઇજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે. શિખર ધવન અંગૂઠા પર ફ્રેક્ચરના કારણે પહેલાથી જ બહાર થઇ ચુક્યો છે. ભુવનેશ્વર કુમાર પણ છેલ્લી બે મેચથી રમી રહ્યો નથી. શંકરને ઇજા થયા બાદ મેનેજમેન્ટની તકલીફ વધી ગઈ છે. રિષભ પંતને તક આપી દેવામાં આવી છે પરંતુ આગામી મેચો ખુબ મહત્વપૂર્ણ બની શકે છે. ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે, સેમિફાઇનલ પહેલા ભારતને બે મહત્વપૂર્ણ મેચો રમવાની જરૂર છે. આવી સ્થિતિમાં અનુભવી બેટ્સમેન દિનેશ કાર્તિકને તક આપવામાં આવી શકે છે.
કેટલાક પૂર્વ ખેલાડી ટીમમાં રવિન્દ્ર જાડેજાને સામેલ કરવાની માંગ કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા બોલિંગ અને બેટિંગ બંનેમાં ઉપયોગી સાબિત થઇ શકે છે. સાથે સાથે રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર તરીકે છે. ઇંગ્લેન્ડની સામે રમાયેલી મેચમાં રિષભ પંતે પણ ટીમમાં સામેલ કરાયા બાદ ઉપયોગી બેટિંગ કરીને તમામ ક્રિકેટ ચાહકો અને પસંદગીકારોનો વિશ્વાસ યોગ્ય સાબિત કર્યો હતો.