અમદાવાદ :
કયા કયા રૂટ પર જગન્નાથજીની રથયાત્રા ફરશે ?
ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રાનો સમગ્ર રૂટ ૧૮ કિ.મી જેટલો લાંબો હોય છે. તા.૪થી જૂલાઇએ સવારે જગન્નાથ મંદિર,જમાલપુરથી સવારે ૭-૦૦ વાગ્યે રથયાત્રાનો શુભારંભ, ૯-૦૦ વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન, ૯-૪૫ વાગ્યે રાયપુર ચકલા, ૧૦-૩૦ વાગ્યે ખાડિયા ચાર રસ્તા, ૧૧-૧૫ કાલુપુર સર્કલ, ૧૨-૦૦ સરસપુર, ૧-૩૦ સરસપુરથી રથયાત્રા પરત ફરશે, એ પછી ૨-૦૦ વાગ્યે કાલુપુર સર્કલ, ૨-૩૦ પ્રેમદરવાજા, ૩-૧૫એ દિલ્હી ચકલા, ૩-૪૫ શાહપુર દરવાજા, ૪-૩૦ આર.સી.હાઇસ્કૂલ, ૫-૦૦ વાગ્યે ઘીકાંટા, ૫-૪૫ પાનકોરનાકા, ૬-૩૦ માણેકચોક અને ૮-૩૦એ નિજમંદિરે પરત ફરશે. રૂટના આ તમામ સ્થાનોએ રથયાત્રા શ્રધ્ધાળુ ભકતજનોને દર્શન માટે પાંચ-પાંચ મિનિટ ઉભી રહેશે.
તા.૩જીએ સોનાવેશના દર્શનનું અનોખુ મહાત્મ્ય
આ જ પ્રકારે તા.૩જી જૂલાઇએ સવારે ૮-૦૦ વાગ્યે ભગવાનના સોનાવેશના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. જેમાં વિશેષ પ્રકારના આભૂષણો અને સાજ શણગાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. બપોરે ૩-૦૦ વાગ્ય મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજનવિધિ, સાંજે ૪-૦૦ વાગ્યે શહેર શાંતિ સમિતિની મુલાકાત, સાંજે ૬-૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા પરંપરા મુજબ, રથયાત્રાના આગલા દિવસે જગન્નાથજી મંદિર અને મહંતશ્રીની શુભેચ્છા મુલાકાત લે છે. આ દિવસે તેઓ ભગવાન જગન્નાથજી માટે ખાસ ખીચડીનો પ્રસાદ લાવતા હોય છે. સાંજે ૮-૦૦ વાગ્યે વિશેષ પૂજા અને સંધ્યા આરતી યોજાશે. જેમાં રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂલમંત્રી કૌશિક પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવો અતિથિવિશેષ પદે હાજર રહેશે.
રથયાત્રાના દિવસે ભગવાનને ધરાવાતા ખીચડીના ભોગનું વિશેષ મહત્વ
જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ ભગવાન જગન્નાથજીને રથયાત્રાના દિવસે વહેલી સવારે વિશિષ્ઠ ખીચડીના ભોગ અંગે જણાવ્યું હતું કે, સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં એક માત્ર જગન્નાથજી ભગવાનને જ ખીચડીનો વિશેષ ભોગ ધરાવાય છે. સામાન્ય રીતે દેવી-દેવતાઓને છપ્પન ભોગ ધરાવાતો હોય છે. પરંતુ જગન્નાથજીની પરંપરા મુજબ, તેમને ખીચડી, કોળા, ગવારફળીનું શાક, અને દહીંનો વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. રથયાત્રાના દિવસે ભગવાનની ખીચડીના વિશિષ્ટ ભોગ માટે ૨૫૦૦ કિલો ચોખા, ૬૦૦ કિલો દાળ, ૧૪૦૦ કિલો ડ્રાયફ્રુટ અને ૧૫૨ કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવનાર છે.
તા.૨જીએ સાર્વત્રિક વરસાદ માટે ઇન્દ્રદેવની પૂજા કરાશે
તા.૨જી જૂલાઇએ ભગવાનની વિશિષ્ટ પૂજા ઉપરાંત અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજયમાં સાર્વત્રિક સારા વરસાદ માટે ઇન્દ્રદેવની ખાસ પૂજા-અર્ચના કરી રીઝવવામાં આવશે. આ દિવસે વરસાદની સીઝન ખેડૂતો માટે ખૂબ સારી રહે અને તેઓ ખુશહાલ બને તેવી પણ પ્રાર્થના કરાશે. આ વર્ષે રથયાત્રાના દિવસે પણ ખુદ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી રથયાત્રા પર મેઘરાજાના વધામણાં શુકનવંતા બની રહેશે.