નવી દિલ્હી : ભારતે હવે યુદ્ધ જેવી સ્થિતિને પહોંચી વળવા માટે હંમેશા તૈયાર રહેવા ઇચ્છુક છે. આજ ઇરાદા સાથે ભારતીય વાયુ સેનાએ રશિયાની સાથે એન્ટી ટેંક મિસાઇલ સમજૂતિ કરી લીધી છે. હકીકતમાં ભારતનો પ્રયાસ છે કે, બાલાકોટ હવાઈ હુમલા બાદ જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ સર્જાઈ ગઈ હતી તે પ્રકારની સ્થિતિનો સામનો કરવા ભારત તૈયાર રહેવા ઇચ્છુક છે. આ એન્ટી ટેંક મિસાઇલને એમઆઈ-૩૫ અટેક હેલિકોપ્ટરના કાફલા સાથે જોડી દેવામાં આવશે.
સુત્રોના કહેવા મુજબ એન્ટી ટેંક મિસાઇલને મંજુરી આપવા માટે ડિલની કેટલીક શરતો પર હસ્તાક્ષર થઇ ચુક્યા છે. દસ્તાવેજા ઉપર હસ્તાક્ષર થઇ ગયા બાદ ત્રણ મહિનાની અંદર જ સપ્લાય શરૂ થઇ જશે. બંને દેશો વચ્ચે આ ડિલ આશરે ૨૦૦ કરોડ રૂપિયામાં ફાઇનલ થઇ છે. ત્યારબાદ ભારતના એમઆઈ-૩૫ હેલિકોપ્ટર દુશ્મન દેશના ટેંક અને બીજા વાહનો પર હુમલા કરી શકશે. આ હેલિકોપ્ટરોને અમેરિકાના અપાચે ગનશીપ સાથે બદલી દેવામાં આવશે.
ભારત રશિયન મિસાઇલને મંજુરી આપવાની યોજના લાંબા સમયથી ધરાવે છે. ભારત પોતાની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રક્ષણમંત્રી રાજનાથસિંહે હાલમાં જ આ સંદર્ભમાં માહિતી આપી હતી. આપહેલા ભારત રશિયાની સાથે એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી માટેની ડિલને આખરી ઓપ આપી ચુકી છે. એસ-૪૦૦ રશિયાની સૌથી આધુનિક પ્રહાર કરતી મિસાઇલ વ્યવસ્થા છે.