ક્રિકેટમાં કેરિયર બનાવવામાં સફળ રહેલા અને રાષ્ટ્રીય સ્તર પર પહોંચીને રમી રહેલા ખેલાડીઓને ખુબ સારી આવક થાય છે. આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે ફીની ચુકવણી કરવામા આવે છે. ટેસ્ટ મેચ રમવા માટે દરેક ખેલાડીને પ્રતિ મેચ ૧૫ લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે. જ્યારે દરેક વનડે મેચ રમવા માટે ખેલાડીને છ લાખ રૂપિયા અને ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં રમવા માટે ત્રણ લાખ રૂપિયાની ફી ચુકવવામાં આવે છે. એક સારા ખેલાડીને તમામ ત્રણેય ફોર્મેટમાં રમવા માટેની તક મળે છે જેની કમાણી કરોડો રૂપિયામાં પહોંચી જાય છે. રિટેનર ફી પણ નક્કી કરવામાં આવે છે.
આ ફી ખેલાડીઓના કોન્ટ્રાક્ટ અને રેન્કિંગ પર આધાર રાખે છે. એ પ્લસ રેન્કિંગ ધરાવનાર ખેલાડીઓની રિટેનર ફી સૌથી વધારે સાત કરોડ રૂપિયા હોય છે. જેમાં અનુભવી બેટ્સમેન, અનુભવી બોલર અને વૈશ્વિક સ્તરના રેકોર્ડ ધરાવતા ખેલાડીઓ મુખ્ય રીતે સામેલ હોય છે. જે બાળકો ક્રિકેટમાં જવા માટે ઇચ્છુક છે તેમને નાની વયમાં જ ક્રિકેટમાં સંપૂર્ણ રસ લઇને આગળ વધવાની જરૂર હોય છે. કારણ કે સતત સારા દેખાવ, ફિટનેસ અને નિયમિતતા તેની મુખ્ય બાબત રહેલી છે.