અમદાવાદ : વડોદરા શહેરના કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં દીપડાના પાંજરાની બહાર ઉભેલા બે યુવકો દ્વારા ટીખળ કરી પથ્થર મારી દીપડાને પજવણી કરવામાં આવતાં ઝુ સત્તાધીશોએ સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ આ મામલે બંને યુવકો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. વડોદરાના કમાટીબાગ સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં બે યુવાનો દીપડાના પાંજરાની બહાર ઉભા હતા.
થોડા સમય બાદ એક યુવાને લોખંડની રેલિંગ ઓળંગી પાંજરાની એકદમ નજીક પહોચી ગયો હતો. જ્યારે નીચે પડેલા પથ્થરને લઈને પીંજરામાં રહેલા દીપડાને મારવા લાગ્યો હતો. જ્યારે તેની સાથે ઉભેલો અન્ય યુવાન મોબાઇલમાં દીપડાના દ્રશ્યો કેદ કરતો હતો. બંને યુવકોનો દિપડાને પથ્થર મારી હેરાન-પરેશાન કરવાની ઘટનાનો વીડિયો વાયરલ થતાં ઝુ સત્તાધીશોએ આકરૂં વલણ અપનાવ્યુ હતુ. આ મામલે સિક્યુરિટી જવાનની ગંભીર બેદરકારી સામે આવતા પાલિકાએ નોટિસ આપી હતી અને સયાજીગંજ પોલીસમાં બંને યુવકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જેના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.