માન્ચેસ્ટર : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે તેની યથકલગીમાં વધુ એક મોર પીછુ ઉમેરી દીધુ હતુ. વેસ્ટ ઇન્ડિઝની સામે તે વધુ એક ઇતિહાસ રચવામાં સફળ રહ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપથી ૨૦૦૦૦ રન બનાવનાર ખેલાડી બની ગયો હતો. ભારતના સચિન તેન્ડુલકર અને વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારાના રેકોર્ડને તોડી દેવામાં તે સફળ રહ્યો હતો. વિરાટ કોહલીએ આ સિદ્ધી ૪૧૭મી ઇનિગ્સમાં હાંસલ કરી લીધી હતી. અફઘાનિસ્તાનની સામે મેચ પહેલા તેના નામ પર ૧૯૮૯૬ રન હતા. વિરાટ કોહલીને આ આંકડા સુધી પહોંચી જવામાં ૧૦૪ રનની જરૂર હતી. એ મેચમાં વિરાટ કોહલીએ ૬૭ રનની ઇનિગ્સ રમી હતી. એટલે કે તેને આ મેચમાં ૨૦હજાર રનની આંતરરાષ્ટ્રીય સિદ્ધી પર પહોંચી જવા માટે ૩૭ રનની જરૂર હતી. આ ૩૭ રન આજે વિરાટ કોહલીએ પૂર્ણ કરી લીધા હતા. વેસ્ટ ઇન્ડિઝની સામે મેચની ૨૫મી ઓવરમાં ચોથા બોલ પર હોલ્ડરની સામે એક રન લઇને વિરાટ કોહલીએ આ સિદ્ધી હાંસલ કરી લીધી હતી.
આની સાથે જ તેની ઐતિહાસિક સિદ્ધી થઇ ગઇ હતી. આ પહેલા આ રેકોર્ડ ભારતના સચિન તેન્ડુલકરના નામ પર હતો. સતિન અને લારાના નામ પર આ રેકોર્ડ રહ્યો હતો. સચિન અને લારાએ ૪૫૩ ઇનિગ્સમાં ૨૦ હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવી લીધા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ૪૬૮ બોલમાં ૨૦ હજાર રન પૂર્ણ કરી લીધા હતા. દુનિયાના જે ખેલાડી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦ હજાર રન પૂર્ણ કરી ચુક્યા છે તેમાં રિકીપોન્ટિંગ, ડિવિલિયર્સ, જેક કાલીસ અને રાહુલ દ્રવિડે પણ આ સિદ્ધી હાંસલ કરી લીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી એક પછી એક રેકોર્ડ સર્જી રહ્યો છે.
સચિન તેંડુલકરના અનેક રેકોર્ડ વિરાટ કોહલી પહેલાથી જ તોડી ચુક્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આગામી દિવસોમાં વિરાટ કોહલી સચિન તેંડુલકરની વનડે ક્રિકેટમાં સદીના રેકોર્ડને પણ તોડી દેશે. જે ગતિથી વિરાટ કોહલી રમી રહ્યો છે તે જોતા ટૂંક સમયમાં જ સચિન તેંડુલકરના વનડેના રેકોર્ડ તુટી જશે. વિશ્વ ક્રિકેટમાં સૌથી સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે હાલમાં તેની ગણતરી થઇ રહી છે. અન્ય તમામ બેટ્સમેન વિરાટ કોહલીથી ખુબ પાછળ દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તે નવા રેકોર્ડ તરફ પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. ટેસ્ટ અને વનડેની સાથે સાથે ટ્વેન્ટી ક્રિકેટમાં પણ તેનો ધરખમ દેખાવ જોવા મળી રહ્યો છે. વનડે ક્રિકેટમાં તેની સરેરાશ પણ અન્ય તમામ બેટ્સમેનો કરતા ખુબ શાનદાર રહી છે.