મુંબઇ : કંગના રાણાવત પોતાની નવી ફિલ્મ મેન્ટલ હે ક્યાને લઇને આશાવાદી છે. આ ફિલ્મ ૨૬મી જુલાઇના દિવસે રજૂ કરાશે. પાંચ વર્ષ પહેલા એકતા કપુર અને કરણ જોહરે ઇમરાન હાશ્મી અને કરીના કપુરને લઇને એક ફિલ્મ બદ્તમીજ દિલની જાહેરાત કરી હતી. ફિલ્મના શુટિંગની તારીખો, લોકેશન સહિતની તમામ બાબતો નક્કી કરી લેવામાં આવી હતી. બાકી પ્રોડક્શન સાથે સંબંધિત તમામ બાબતોને પણ પૂર્ણ કરી લેવામાં આવી હતી. જો કે છેલ્લી ઘડીએ ફિલ્મને રોકી દેવામાં આવી હતી. ફિલ્મ કેમ રોકવામાં આવી તેને લઇને કોઇ વિગત જાહેર કરવામનાં આવી ન હતી.
હવે એવા અહેવાલ સપાટી પર આવ્યા છે કે ફિલ્મ પર ફરી નવેસરથી કામ શરૂ કરવામાં આવ્યા બાદ ફિલ્મ પૂર્ણ થવા આવી છે. ફિલ્મમાં હવે કરીના કપુરની જગ્યાએ કંગના રાણાવત મુખ્ય રોલ કરી રહી છે. કંગનાએ કરીના કપુર દ્વારા છોડી દેવામાં આવેલી ફિલ્મ તરત જ સ્વીકારી લીધી હતી. જો કે ફિલ્મનુ નામ બદલીને મેન્ટલ હે ક્યાં રાખવામાં આવ્યુ છે. કગંના રાણાવતે કોઇ પણ નવી શરત મુક્યા વગર આ ફિલ્મ સ્વીકારી લીધી હતી. એકતા કપુરની પ્રથમ પસંદગી કરીના કપુર હતી પરંતુ કરીનાને પાત્ર વધારે બોલ્ડ દેખાતા ફિલ્મ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
કરીનાના ઇન્કાર બાદ આ ફિલ્મ બનાવવાની યોજના એકતાએ પડતી મુકી હતી. અન્ય અભિનેત્રી પણ રોલ કરશે નહીં તેમ એકતા માની રહી હતી. જો કે કંગના રાણાવત આ પડકારરૂપ રોલ કરવા માટે તૈયાર થઇ ગઇ હતી. તે વિતેલા વર્ષોમાં પણ અનેક રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા રોલ સરળતાથી કરી ચુકી છે. ક્વીન અને રિવોલ્વર રાની જેવી ફિલ્મો કરીને કંગના રાણાવત બોલિવુડમાં બેસ્ટ એક્ટિંગ કુશળતા ધરાવતી હોવાની સાબિતી કેટલીક વખત આપી ચુકી છે. આ એક થ્રીલર ફિલ્મ રહેશે. રાજકુમાર રાવ ફિલ્મમાં કામ કરવા માટે તરત રાજી થઇ ગયો છે. તે પટકથા સાંભળતા જ ખુશ થઇ ગયો હતો.