પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં શહેર હોય કે અંતરિયાળ વિસ્તાર અકસ્માત, આગ, મારામારી કે અન્ય ઘટનાઓમાં ૧૦૮ની ટીમ ત્વરિત દોડી જઇ દર્દીઓને સારવાર આપી રહી છે. જોકે, હવે દર્દીઓને હજુપણ જલ્દીથી સારવાર મળી રહે તે માટે ગુગલ મેપના આધારે કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. ૧૦૮ની કચેરીને કોલ મળે કે તરત જ ઘટના સ્થળે નજીક હોય તે ૧૦૮ને ત્યાં મોકલી દર્દીને ઝડપી સારવાર આપી શકાશે. જેનાથી સમય પણ બચશે. આમ ૧૦૮ હવે આધુનિક સિસ્ટમ પ્રમાણે ગુગલ મેપના આધારે દોડી યમરાજાને હંફાવશે.
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ, દાંતા, અંબાજી, અમીરગઢ, દાંતીવાડા, પાંથાવાડા, ડીસા, ભીલડી, દિયોદર, ભાભર, કાંકરેજ, લાખણી, થરાદ, વાવ, સૂઇગામ સહિતના વિસ્તારમાં શહેર હોય કે અંતરિયાળ વિસ્તાર જ્યાં બનતા અકસ્માત, આગ સહિતની ઘટનાઓમાં ઇજાગ્રસ્તોને ઝડપી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦૮ સેવા કાર્યરત કરવામાં આવી છે. તદ્દન વિનામૂલ્યે આપવામાં આવતી આ સેવાનો ગરીબજનો લાભ લઇ રહ્યા છે. આ સેવા હવે ગુગલ મેપના આધારે શરૂ કરવામાં આવી છે. આ અંગે ઇમરજન્સી મેનેજમેન્ટ એજ્યુકેટીવ ભાસ્કરભાઇ નાયકે જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જિલ્લામાં આધુનિક ઉપકરણોથી સજ્જ કુલ ૨૨ વાન ફાળવવામાં આવી છે. જ્યાં આ સેવાની શરૂઆતમાં કોલ સેન્ટરથી કામ થતું હતુ.
જે બાદ જીપીઆરએસ સિસ્ટમ અમલી બનાવવામાં આવી હતી. અને હવે ગુગલ મેપના આધારે કામ કરવામાં આવી રહ્યું છે. એન. જી. ૧૦૮ ( ન્યુ જનરેશન)ની કાર્ય પધ્ધતિમાં ઘટના સ્થળે જે નજીક વાન હોય તેને મોકલવામાં આવે છે. કોલ મળતાની સાથે ગુગલ મેપના આધારે જે ૧૦૮ ઘટનાસ્થળની નજીક હશે તેને કોલ આપી દેવાશે. જેથી અકસ્માત સહિતના બનાવમાં ઝડપથી સારવાર મળી રહેશે. અને સમય તેમજ ઇંધણનો બચાવ થશે.
એમ કહી શકાય કે હવે ૧૦૮ આધુનિક સેવાથી સજ્જ થઇ ગુગલ મેપના આધારે દોડી યમરાજને હંફાવશે. ગુગલ મેપના આધારે આપવામાં આવતી સેવામાં કોઇપણ સ્થળે અકસ્માત કે અન્ય ઘટના અંગે ૧૦૮ને કોલ કરનાર વ્યકિતની ભૂમિકા મહત્વની રહેશે. જેમાં આ વ્યકિતએ પોતાનો જિલ્લો, તાલુકો અને ગામની સ્પષ્ટ માહિતી આપવાની રહેશે. જેથી સ્થળ શોધવામાં સરળતા રહે. જે વ્યકિત કોલ કર્યો હોય અને તે વ્યકિત સ્થળ ઉપર હાજર હોય તો તેણે પોતાના મોબાઇલનું જીપીઆરએસ ચાલુ રાખવું જેથી સહેલાઇથી ૧૦૮ સ્થળ ઉપર પહોચી શકશે.