નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષ અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યાના એક દિવસ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં પણ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ પોતાના વિશેષ અંદાજમાં જનાદેશ ઉપર પ્રશ્ન ઉઠાવનાર લોકો ઉપર પ્રહાર કર્યા હતા જેમાં ગાલિબના શેરનો ઉલ્લેખ કર્યો હતો. ગાલિબના શેર તાઉમ્ર ગાલિબ યહ ભૂલ કરતા રહા, ધૂલ ચહરે પર થી, આયના સાફ કરતા રહા મારફતે મોદીએ વિરોધ પક્ષો ઉપર પ્રહાર કર્યા હતા.
ઇવીએમ ઉપર પ્રશ્નો ઉઠાવનાર વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ ઉપર દેશની જનતા અને મતદારોના અપમાન કરવાનો આક્ષેપ કરતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી હજુ પણ જિદ્દી વલણ અપનાવી રહ્યું છે. કોંગ્રેસની જીત થાય તો દેશની જીત થાય અને કોંગ્રેસની હાર થાય તો દેશની હાર થાય તેમ આ લોકો ગણે છે. મોદીએ આની સાથે સાથે એક દેશ એક ચૂંટણીના મુદ્દા ઉપર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ નહીં લેવાના મુદ્દા ઉપર કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. ઝારખંડમાં થયેલી મોબલિંચિંગની ઘટનાની પણ નિંદા કરી હતી અને કહ્યું હતું કે, તેઓ ઝારખંડમાં આ ઘટનાથી આઘાતમાં છે. મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં રાજસ્થાન ભાજપના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ રહેલા મદનલાલ સૈનીને શ્રદ્ધાંજલિ આપી હતી. નવા જનાદેશ બાદ પ્રથમ વખત રાજ્યસભાના તમામ સભ્યો વચ્ચે પોતાની વાત મોદીએ રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પહેલા કરતા વધારે જનસમર્થન અને વધારે વિશ્વાસ સાથે અમે દેશની સેવા કરવા માટે આવ્યા છે.
તમામનો તેઓ આભાર માને છે. રાજ્યસભાના દરેક સત્રમાં અરુણ જેટલીની વાત પણ સાંભળવા મળતી હતી. આ વખતે પણ સભ્યો ઉત્સુક હતા પરંતુ તેઓ આરોગ્યના લીધે આ વખતે અમારી વચ્ચે દેખાઈ રહ્યા નથી. અરુણ જેટલી ફરી ગૃહમાં આવશે તેવી આશા મોદીએ વ્યક્ત કરી હતી. ઝારખંડમાં મોબલિંચિંગની ઘટનાથી તેઓ દુખી હોવાની વાત કરી હતી. બે દિવસમાં જે ચર્ચા ચાલી રહી હતી તેમાં ગુલામ નબી આઝાદ, દિગ્વિજયસિંહ સહિત ૫૦ સભ્યોએ ભાગ લીધો હતો. દરેકે પોતાની વાત પોતાનીરીતે રજૂ કરી હતી. મોદીએ કહ્યું હતું કે, આ વખતે ચૂંટણી જનતા જનાર્દન લડી રહી હતી.
રાજકીય પક્ષોથી ઉપર ઉઠીને જનતા ચૂંટણી લડી રહી હતી. જનતા પોતે સરકારના કામની બાબત લોકો સુધી પહોંચાડે છે. જે લોકોને લાભ પહોંચ્યા નથી તે લોકો પણ આ વિશ્વાસ સાથે વાત કરી રહ્યા હતા કે, તેમને લાભ મળ્યા છે. તેમને પણ ટૂંકમાં જ મળી જશે. કોંગ્રેસનો મતલબ દેશ અને દેશનો મતલબ કોંગ્રેસ જેવી બાબત કોઇપણ કિંમતે યોગ્ય હોઈ શકે નહીં. ૪૦થી ૪૫ ડિગ્રી તાપમાન વચ્ચે લોકો મતદાન કરવા આગળ આવી રહ્યા હતા. ખેડૂતોને પૈસા આપવામાં આવી રહ્યા છે. ૨૦૦૦-૨૦૦૦ સ્કીમના ખેડૂતો વેચાઈ ગયા છે તેવા આક્ષેપ પણ થયા હતા. જે ખુબ જ અપમાનજનક નિવેદન છે.
ખેડૂતો માટે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ યોગ્ય નથી. મિડિયાને પણ ગાળો આપવામાં આવી હતી. મિડિયાના લોકો વેચાઈ ચુક્યા છે તેવા આક્ષેપ થયા હતા. ઇવીએમ ઉપર પ્રશ્નો ઉઠી રહ્યા હતા. ક્યારેય ગૃહમાં ભાજપ પાસે પણ બે સભ્યો હતો. અમારી મઝાક કરવામાં આવી હતી પરંતુ અમારી વિચારધારા અને કાર્યકરો ઉપર વિશ્વાસ હતો. આજે ઉલ્લેખનીય સફળતા મળી રહી છે. ઇવીએમ ઉપર બે વખત રાજકીય પક્ષોને બોલાવવામાં આવ્યા છે પરંતુ તેમાં કોઇપણ બાબત યોગ્ય દેખાઈ ન હતી. કોંગ્રેસ પાર્ટી જીતને પચાવી શકવામાં સક્ષમ નથી. સાથે સાથે હારને સ્વિકારવાને લઇને પણ સક્ષમ નથી. બિહારમાં જીવલેણ તાવના કારણે મોટી સંખ્યામાં બાળકોના મોત બાદ આ મુદ્દે પણ મોદીએ વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, બિહારમાં તાવથી બાળકોના મોત અમારી સૌથી મોટી નબળાઈ પૈકી એક છે.