નવી દિલ્હી : સંસદની એક સમિતિએ એરલાઇન્સ દ્વારા વસુલ કરવામાં આવતા ઇચ્છિત ભાડાને લઇને નારાજગી વ્યક્ત કરી છે. સાથે સાથે એરલાઇન્સના આવા વર્તનને લઇને અસંતોષની લાગણી વ્યક્ત કરી છે. આ સમિતિએ સરકારને વિમાની ભાડાની મહત્તમ મર્યાદા નક્કી કરવા માટે સુચન કર્યુ છે. સમિતિએ સરકારના એવા તર્કને પણ ફગાવી દીધો છે કરે અન્ય વિકસિત દેશોને પણ ભાડાની બાબતને માર્કેટ પર છોડી દેવામાં આવે છે. સમિતિએ કહ્યુ છે કે જે આધાર પર એરલાઇન્સને મનમાનીની છુટ આપવામાં આવે છે તે આધાર યોગ્ય નથી. સમિતિએ કહ્યુ છે કે ટિકિટ રદ્દ કરવાની સ્થિતીમાં કાપી લેવામાં આવતા ચાર્જને પણ પારદર્શક બનાવવામાં આવે તે જરૂરી છે. રાજ્યસભાની પરિવહન, પ્રવાસ અને સાંસ્કૃતિક સંબંધી સમિતિએ તેના હેવાલમાં કેટલીક વાત કરી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વિકસિત દેશોમાં લાગુ કરવામાં આવતા વિમાની ભાડા નક્કી કરવામાં આવતા તંત્ર ભારત માટે યોગ્ય હોઇ શકે તેમ નથી. સમિતિએ કહ્યુ છે કે વિમાની ફ્યુઅલ અથવા તો એટીએફના દરમાં ૫૦ ટકાનો ઘટાડો થયો હોવા છતાં એરલાઇન્સ દ્વારા તેનો લાભ વિમાની યાત્રીઓને હજુ સુધી આપ્યો નથી. આ મામલામાં સમિતિએ કહ્યુ છે કે કેટલાક મામલામાં ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે.
સમિતિએ કહ્યુ છે કે હાલની સ્થિતીને ધ્યાનમાં લઇને આ સેક્ટર માટે ભાડાની ઉપરની મર્યાદા પર વિચારણા કરવામાં આવે તે જરૂરી છે. એરલાઇન્સને લઘુતમ દરે મહતમ સીટો યાત્રીઓને ઉપલબ્ધ કરાવવા માટે પણ કહેવામાં આવ્યુ છે. વિમાની યાત્રીઓનુ શોષણ કરવામાં આવે છે તેમ કહેવામાં આવ્યુ છે. ભાડામાં ફેરફાર પર ધ્યાન આપવાની માંગ કરાઇ છે.