કેન્દ્ર અને રાજ્યોમાં એક સાથે ચૂંટણી યોજવાને લઇને રાજકીય નેતૃત્વમાં સર્વસંમતિની વાત તો દુર રહી હજુ સુધી પૂર્ણ રીતે વાતચીત પણ કરવામાં આવી રહી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના દિવસે એક દેશ એક ચૂંટણીને લઇને ચર્ચા કરવા માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. જેમાં જેડીયુના પ્રમુખ અને બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમાર, એનસીપીના નેતા શરદ પવાર, શિરોમણી અકાળી દળના નેતા સુખબીર બાદલ, બીજેડી પ્રમુખ નવીન પટનાઇક, પીડીપી નેતા મહેબુબા મુફ્તિ, વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડી, સીપીએમ નેતા સીતારામ યેચુરી ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, ડીએમકે, ટીડીપી અને ટીએમસી તેમજ આમ આદમી પાર્ટીના પ્રતિનિધીઓ પહોંચ્યા ન હતા. આ તમામ મોટા પક્ષોના નેતાઓની ગેરહાજરી દર્શાવે છે કે વિપક્ષ આ મામલે વધારે ધ્યાન આપવા માટે તૈયાર નથી. લગભગ દરેક ચૂંટણી અમારા માટે વ્યવસ્થાના એક ભાગ તરીકે છે. જેને રાજનીતિથી ઉપર ઉઠીને જાવાની જરૂર છે.
દશકોથી એવો અનુભવ કરવામાં આવી રહ્યો છે કે અમારી ચૂંટણી વ્યવસ્થામાં કેટલીક બિમારી ઘર કરી ગઇ છે. ચૂંટણીની સ્થિતી એ છે કે બે ચાર મહિના પણ પસાર થતા નથી કે કોઇને કોઇ ચૂંટણી આવી જાય છે. લોકસભાની ચૂંટણી ચોક્કસપણે આ સદીમાં પાંચ વર્ષમાં યોજાતી રહી છે. પરંતુ રાજ્યોમાં ચૂંટણી દરેક સમય પર થતી રહે છે. તેને જાહેર કરવામાં આવ્યા બાદ આચારસંહિતા લાગુ કરવામાં આવે છે. જેથી સરકાર મહત્વપૂર્ણ નિર્ણયો લઇ શકતી નથી. જેની કિંમત સમગ્ર દેશના લોકો ચુકવે છે. એક અંદાજ મુજબ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી અલગ અલગ હોવાથી દર વર્ષે આશરે ચાર મહિનામાં આચારસંહિતા લાગુ રહે છે. કેટલાક રાજ્યોમાં પોતાના ટેમ્પોને હાઇ કરવા માટે કેન્દ્ર સરકાર લોકપ્રિય નિર્ણયો કરે છે. જેનો નુકસાન બીજા રાજ્યોને થાય છે. રાજનીતિની રમત હવે બદલાઇ રહી છે. રાજ્યોમાં પણ મત હવે તો કેન્દ્રના નિર્ણયના આધાર પર પડે છે.
સુચના ક્રાÂન્તના કારણે તમામ લોકો એક સાથે જોડાઇ ગયા છે. એક કોણામાં થતી ચૂંટણીની અસર દેશના અન્ય ભાગોમાં થાય છે. વધતા જતા ચૂંટણી ખર્ચની બાબત એક અન્ય સમસ્યા છે. જેના કારણે બ્લેક મનીને પ્રોત્સાહન મળે છે. સૈન્ય દળોની તૈનાતી અને બાકી સુરક્ષા દળોની તૈનાતીમાં પણ ભરપુર પૈસા ખર્ચ કરવા પડે છે. તેમની નિયમિત ભૂમિકાને પણ અસર થાય છે. ચૂંટણી એક સાથે યોજવામાં આવે તો આ તમામ સમસ્યાથી બહાર આવી શકાય છે. કેટલાક લોકોના સવાલ છે કે એક સાથે ચૂંટણી બાદ જો કોઇ રાજ્યમાં સરકાર બની શકતી નથી અથવા તો પડી જાય છે અને વૈકલ્પિક સરકારના કોઇ વિકલ્પ રહેતા નથી તો શુ થશે. મધ્યસત્ર ચૂંટણી આવી સ્થિતીમાં યોજવી પડશે. જો કે તમામ પક્ષો સાથે બેસીને ચર્ચા કરશે તો જ આગળ વધી શકાશે. ચર્ચાથી ભાગવાના બદલે વાતચીત મારફતે રસ્તો કાઢીને આગળ વધવાનો સમય હવે આવી ગયો છે.