બોટાદ પાસે રંઘોળા ખાતે જાનૈયાઓને લઈ જતી એક ટ્રક રંઘોળા નદીનાં બ્રીજ નીચે પલટી ગઈ હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ૨૭ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે ૬૦ થી વધારે લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અકસ્માતમાં જાન ગુમાવનારા નિર્દોષ નાગરિકો પ્રત્યે સમગ્ર રાજ્યની જનતા વતી સંવેદના અને શોકની લાગણી વ્યકત કરી છે.
મુખ્યમંત્રીએ ભાવનગરના રંધોળા પાસે મંગળવારે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા પ્રત્યેક નિર્દોષ વ્યકિતઓના વારસદારોને રૂ. ૪ લાખની સહાય ખાસ કિસ્સામાં
મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે તેમણે જિલ્લાના આરોગ્ય અને
વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. મૃતકોના મૃતદેહ પરિવારજનોને ત્વરાએ સોંપવામાં આવે તે માટે તથા ઘટનાની તપાસ માટે પણ મુખ્યમંત્રીશ્રીએ આદેશો આપ્યા છે.
વિજયભાઇ રૂપાણીએ મૃતકોના શોક સંતપ્ત પરિવારજનોને દિલસોજી પાઠવતાં દિવંગત
મૃતકોના આત્માની શાંતિની પ્રાર્થના પણ કરી છે.