ટોકિયો : ફર્નાન્ડો ટોરેસનુ નામ આવતાની સાથે જ એક આક્રમક ફુટબોલ સ્ટારની યાદ આવી જાય છે જેના કારણે સ્પેનની ટીમે વિશ્વ ફુટબોલમાં એક પછી એક અનેક સિદ્ધીઓ હાંસલ કરી હતી. સ્પેન ઉપરાંત જુદી જુદી મોટી ક્લબ તરફથી પણ ટોરેસ રમી ચુક્યો છે. જેમાં લિવરપુલ અને ચેલ્સીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇટાલીના ક્લબ એસી મિલાન તરફથી પણ તે રમી ચુક્યો છે. ટોરેસની ફુટબોલ કેરિયર ૧૮ વર્ષ સુધી ચાલી છે. હવે ૩૫ વર્ષીય ફુટબોલરે તેની કેરિયરનો અંત લાવવા માટેનો નિર્ણય કર્યો છે.
સોશિયલ મિડિયા પર આ અંગેની જાહરાત કરવામાં આવ્યા બાદ કહેવામાં આવ્યુ છે કે તે ટોકિયોમાં રવિવારના દિવસે પત્રકાર પરિષદ યોજીને ભાવિ યોજના અંગે પણ જાહેરાત કરી શકે છે. તમામ ફુટબોલ ચાહકો સારી રીતે જાણે છે કે ટોરેસે પોતાની કેરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૧માં એટલેન્સિયો મેડ્રીડ સાથે કરી હતી. તે ૧૭૪ લા લીગા મેચમાં ૭૫ ગોલ કરી ચુક્યો છે. વર્ષ ૨૦૦૭ અને વર્ષ ૨૦૧૧ વચ્ચે લિવરપુલમાં રમીને સૌથી આગળ રહ્યો છે. એ ગાળામાં ટોરેસે તમામ સ્પર્ધામાં રમીને ૧૪૨ મેચમાં ૮૧ ગોલ કરી દીધા હતા. વર્ષ ૨૦૧૧માં ટોરેસચેલ્સીમાં જતો રહ્યો હતો. ત્યારબાદ ચેલ્સીએ ચેમ્પિયન લીગ જીતી લીધી હતી.
વર્ષ ૨૦૧૫માં તે ટુંકા ગાળા માટે મિલાનમાં પણ રહ્યો હતો. ટોરેસ વર્ષ ૨૦૧૬માં ફરી એટલેન્સિયોમાં આવી ગયો હતો. ત્યારબાદ તે છેલ્લે ગયા વર્ષે જુલાઇમાં જાપાનની ક્લબમાં સામેલ થઇ ગયો હતો. તે ગોલ કરવાના તેના ટચને હાંસલ કરવામાં સફળ સાબિત થઇ રહ્યો ન હતો. બે સિઝનમાં તે માત્ર બે ગોલ ૨૮ મેચોમાં કરી શક્યો હતો. વર્ષ ૨૦૦૬માં તે સ્પેનની ટીમમાં એન્ટ્રી કરી ગયો હતો.