અમદાવાદ : વિશ્વભરમાં પ્રચલિત પશ્ચિમી સાઈકોથેરાપી સામે પ્રથમ વખત પૂર્વના યોગના મનોવિજ્ઞાન-ધ્યાનને સાંકળતી યોગ સાઈકોથેરાપીનો વિશ્વમાં સૌપ્રથમવાર પ્રયોગ આજે અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો. ગુજરાતનાં કચ્છ જિલ્લાના મનોચિકિત્સિક અને ડિપ્રેશન અને આપઘાત નિવારણ માટે વર્ષોથી કાર્યરત સંસ્થા ઓમ ફાઉન્ડેશનના ડો. પંડિત દેવજ્યોતિ શર્માએ ભારતની ૫૦૦૦ વર્ષ જૂની યોગ પધ્ધતિ અને પશ્ચિમની પ્રચલિત મનોવિજ્ઞાન પધ્ધતિનો સમન્વય કરતી યોગ સાઈકોથેરાપી અને લાઇફસ્કીલ્સ ડાયનેમીક મેડિટેશન ગેટકીપરની ૨૫ મનોચિકિત્સક તબીબો અને ૫૦ મનો કાર્યકરોને તાલીમ આપી હતી. યોગ સાઇકોથેરાપીના કારણે ડિપ્રેશન અને આપઘાત નિવારણમાં મદદ મળશે. આ પ્રસંગે ડો.પંડિત દેવજયોતિ શર્માએ રાજયના દસ જિલ્લાઓમાં યોગ સાઇકોથેરાપી સેન્ટર ખોલવાની દરખાસ્ત રજૂ કરી હતી. તો સાથે સાથે રાજયભરમાં વિવિધ કાઉન્સેલીંગ સેન્ટરો પણ ખોલવાની દરખાસ્ત રજૂ કરી હતી.
આ દરખાસ્ત હવે માનસિક આરોગ્ય હોસ્પિટલના ડો.અજય ચૌહાણ દ્વારા હવે સરકારમાં મોકલાય અને સરકાર દ્વારા પાયલોટ પ્રોજેકટના ધોરણે તેના પર આગળ કાર્યવાહી થાય તો, ગુજરાતમાં ડિપ્રેશન અને આપઘાત નિવારણમાં બહુ મોટી મદદ મળશે એમ ડો.પંડિત દેવજયોતિ શર્માએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, આજે શહેરમાં વિશ્વ યોગ દિવસે માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે રાજ્યના માનસિક આરોગ્ય વિભાગના નોડલ ઓફિસર ડો.અજય ચૌહાણના સહકારથી યોજાયેલા કાર્યક્રમમાં તેમણે મનોચિકિત્સકોને યોગ સાઈકોથેરાપીની તાલીમ આપી હતી. આ ઉપરાંત ડિપ્રેશનને દૂર કરવા અને આત્મહત્યા અટકાવવા માટે લાઈફસ્કીલ્સ ડાઈનેમિક મેડિટેશન ગેટકીપર તાલીમ પણ તેમણે આપી હતી. ડો.પંડિત દેવજ્યોતિ શર્માએ ઉમેર્યુ કે, ડિપ્રેશનથી પીડાતા લોકોની સંખ્યા વિશ્વના અનેક દેશો કરતા ભારતમાં ઘણી વધારે છે. છતાં ભારત કરતા વિદેશોમાં સાઈકોથેરાપી વધુ પ્રચલિત છે. હાલમાં દુનિયાનાં ભારત સહિત દરેક દેશમાં પશ્ચિમી પધ્ધતિથી મનોચિકિત્સા થાય છે. પશ્ચિમની પધ્ધતિની સારવારને સિગ્મન્ડ ફ્રોઈડે વિકસાવી હોવાનું માનવામાં આવે છે. ફ્રોઈડની એ પધ્ધતિમાં મહદઅંશે ભારતીય યોગ-ધ્યાનનો ઉપયોગ જ થાય છે. અત્યારના દર્શન શાસ્ત્ર (ફિલોસોફી)થી પહેલા ઈસવીસન ૧૯૦૦ની આસપાસ મનોવિજ્ઞાન શોધાયું. જ્યારે યોગ તો ઈસવીસન પૂર્વે ૨૭૦૦થી ભારતમાં ચલણમાં છે. પરંતુ કમનસીબે ભારતની જ ધ્યાન સહિતની બીજી કેટલીક પધ્ધતિને યશ પશ્ચિમે લઈ લીધો છે.
ડો. શર્માએ જણાવ્યું કે, ફ્રોઈડનો મતે ઈગો-આઈ એટલે કે હં’ ને મનોવિજ્ઞાનનું સાધન માનવામાં આવે છે. જ્યારે ભારતીય પધ્ધતિમાં ઈગોને હં’ નહિં પણ આત્મા માની આધ્યાત્મિક યોગ પધ્ધતિની સારવાર કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, થોડા વર્ષો પૂર્વે શરૂ કરેલી યોગ સાઈકોથેરાપીમાં યોગનું મનોવિજ્ઞાન, ધ્યાન પ્રાણાયામ, તણાવનો સકારાત્મક ઉપચાર અને આપઘાતનાં વિચારોમાંથી મુક્તિ એમ તબક્કાવાર દૃશ્ય-શ્રાવ્ય તથા પ્રેકટીકલ કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમોને અત્યાર સુધી અસાધારણ સફળતા મળી છે. અમદાવાદમાં યોગ સાઇકોથેરાપીની વિશ્વની સૌપ્રથમ ઘટના એ માત્ર અમદાવાદ અને ગુજરાત જ નહી પરંતુ ભારત દેશ માટે ગૌરવપૂર્ણ વાત કહી શકાય.