અમદાવાદ : પ્રજાજનોને ગુડ ગર્વનન્સની સુવિધાઓ-સેવાઓ આપતી આ જનહિતકારી સરકાર દ્વારા ગત વર્ષે જ મુસાફરોની સરળતા માટે સેવામાં મૂકાયેલી પ૦ વોલ્વો બસ સર્વિસનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી એટલે કે ૨૨ જૂનથી ભાવનગરથી વધુ ૨૧ સુવિધાયુક્ત બસ સ્ટેશનને પ્રજા માટે ખુલ્લા મુકવામાં આવશે. આ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં વરદ હસ્તે થશે. ૩૨.૦૯ કરોડનાં ખર્ચે બાંધવામાં આવનારા ભાવનગર, ભરૂચ અને સુરેન્દ્રનગર બસ સ્ટેશન તથા ભુજ-અમરેલી સ્ટાફ કોલોનીનું પણ ખાતમુહૂર્ત ઈ-તક્તિ મારફત કરાશે. આ કાર્યક્રમમાં રૂપિયા બાવન કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલા અદ્યતન સુવિધાયુક્ત ૨૧ નવીન બસ સ્ટેશનનાં લોકાર્પણ પણ આ સ્થળેથી જ થશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા પ્રજા-મુસાફરોની સરળતા માટે સ્ટેશનો અને બસ સુવિધાઓ સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે. ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રજાની સેવામાં મૂકાયેલી પ૦ વાલ્વો બસ સર્વિસનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના મહત્વપૂર્ણ યાત્રાધામો અને શહેરોને વોલ્વો સેવાથી જોડવા પણ તૈયારીઓ ચાલી રહી છે. ગરીબ પરિવારોમાં લગ્ન જેવા ખૂશીના પ્રસંગોએ ૧ર૦૦થી ૩૦૦૦ સુધીના નજીવા રાહત દરે એસ.ટી. બસ સેવાઓ પૂરી પાડવાનો સંવેદનશીલ નિર્ણય પણ લીધો હતો.
આવતીકાલે ૨૨ જૂન શનિવારે ભાવનગરના મહુવા રોડ જવાહર મેદાન ખાતે સવારે ૧૦ વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યના વિવિધ ૨૧ બસ સ્ટેશનના લોકાર્પણ, ત્રણ બસ સ્ટેશન અને બે સ્ટાફ કોલોનીનાં ખાતમુહૂર્ત, નવીન મીડી બસ, સુપર એક્સપ્રેસ, ગુર્જરનગરી બસો તથા ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબાઈલ વાનનો લોકાર્પણ સમારોહ યોજાશે.