નવી દિલ્હી : સંસદના પ્રથમ સત્રમાં આજે બંને ગૃહોમાં બિહારમાં જીવલેણ તાવના કારણે થઇ રહેલા મોતના મામલે પણ ભારે હોબાળો થયો હતો. લોકસભામાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યુ હતુ કે બાળકોના મોત થઇ રહ્યા છે જે ચિતાજનક બાબત છે. આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કહ્યુ હતુ કે તેઓ પોતે માતા છે જેથી બાળકોના મોતની પિડાને સારી રીતે સમજે છે. સંસદ સત્ર હાલ ચાલી રહ્યું છે. હવે ચોથી જુલાઈના દિવસે આર્થિક સર્વે રજુ કરવામાં આવશે. જ્યારે ૨૦૧૯-૨૦ માટે કેન્દ્રિય બજેટ લોકસભામાં સવારે ૧૧ વાગ્યે રજુ કરવામાં આવશે.
લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન કુલ ૩૦ બેઠક યોજાશે.આરજેડીના સાંસદ મનોજ સિંહાએ બિહારમાં જીવલેણ તાવના કારણે બાળકોના થઇ રહેલા મોતના મામલે ચર્ચા કરવા માટે નોટીસ ફટકારી હતી. બીજી બાજુ બિહારમાં બાળકોના મોતના આંકડા વચ્ચે મિડિયા ઉપર નીતિશકુમાર આજે લાલઘૂમ દેખાયા હતા. સંસદમાં પણ આની ગુંજ રહી હતી. બિહારની સરકાર બાળકોના મોતના મુદ્દે ગંભીર દેખાઈ રહી નથી. ગયા સપ્તાહમાં નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીના મૌન અંગે મિડિયાએ તેમની ટિકા કરી હતી. હવે મુખ્યમંત્રી નીતિશકુમારે પણ બાળકોના મોતના મુદ્દા ઉપર મિડિયા ઉપર પ્રહારો કર્યા છે. સંસદના બંને ગૃહોમાં પણ આજે આની ચર્ચા રહી હતી.
કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાન શુક્રવારના દિવસે રાજ્યસભા માટે દાવેદારી કરવા પટણા પહોંચ્યા હતા તે ગાળામાં નીતિશકુમાર પણ તેમની સાથે હતા જેથી પત્રકારોએ તાવના મામલે નીતિશને પ્રશ્નો કર્યા હતા. વિડિયો વાઇરલ થયા બાદ નજરે પડે છે કે, નીતિશકુમાર ખુબ નારાજ દેખાઈ રહ્યા છે. નીતિશકુમાર પત્રકારોને ફટકારતા નજરે પડ્યા હતા. અગાઉ પણ નીતિશકુમારે મિડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા. બીજી બાજુ કેન્દ્રીય રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું છે કે, બિહારમાં ભાજપના તમામ ૧૭ સાંસદ પોતાના લોકસભા ક્ષેત્ર માટે ૨૫ લાખ રૂપિયા આપશે આનો ઉપયોગ બાળકો માટે કરવામાં આવશે.