કુલ્લુ : હિમાચલપ્રદેશમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો ચિંતાજનક રીતે જારી રહ્યો છે. નવેસરના માર્ગ અકસ્માતમાં ૪૪ લોકોના મોત થતા હિમાચલપ્રદેશની સરકાર હચમચી ઉઠી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નવેસરના માર્ગ અકસ્માતના કારણે રાજ્યમાં ફરી એકવાર માર્ગ અકસ્માતોને રોકવા માટે લેવામાં આવેલા પગલાની પોલ ખુલી ગઇ છે. પહાડી રાજયમાં મોટી સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા છે. આંકડા આના કરતા પણ વધારે ખતરનાક છે.
કારણ કે છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં જ પ્રદેશમાં આશરે ૩૦૯૯૩ માર્ગ અકસ્માતો થયા છે. જેમાં ૧૧૫૬૧ લોકોના મોત થયા છે. દસ વર્ષના માર્ગ અકસ્માતોનો રેકોર્ડ દર્શાવે છે કે આ અકસ્માતોમાં ૫૩૯૦૩ લોકો ઘાયલ થયા છે. હિમાચલપ્રદેશમાં આ વર્ષે હજુ સુધી માર્ગ અકસ્માતોની સંખ્યા અંગે વાત કરવામાં આવે તો આ વર્ષે ૪૩૦ લોકોના મોત થયા છે.
૩૧મી મે સુધીના આંકડા દર્શાવે છે કે આ વર્ષે ૧૧૬૮ માર્ગ અકસ્માતો સર્જાયા છે. જેમાં ૪૩૦ લોકોના મોત થઇ ગયા છે. જ્યારે આ વર્ષે ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૨૧૫૫ જેટલી નોંધાઇ છે. હિમાચલપ્રદેશમાં વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ અસર દેખાઇ રહી નથી.