અમદાવાદ : રાજકોટ શહેરની સાયબર ક્રાઈમ પોલીસે ઈન્સ્ટાગ્રામ પર હાસ્ય કલાકાર સાંઈરામ દવેની ઓળખ ચોરી કરી ફેક આઇડી બનાવનાર આરોપી આશીષ પંકજભાઈ જાની નામના યુવકની ધરપકડ કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, કલાજગતમાં પણ ઘટનાની ભારે ચર્ચા ચાલી હતી. રાજકોટ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં હાથ ધરાયેલી પ્રાથમિક તપાસ અને યુવકની પૂછપરછ દરમ્યાન એવી હકીકત પણ સામે આવી હતી કે, ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સાંઇરામદવે ઓફિશીયલ નામનું આઈડી બનાવી ફોટા અને કૃતીઓનો ઉપયોગ કરી ખોટી પ્રસિદ્ધ મેળવવા અને તેના દ્વારા રૂપિયા પડાવવાના આરોપીએ ષડયંત્ર રચ્યું હતું. જેથી પોલીસે આરોપી આશીષ જાનીની ધરપકડ કરી હતી.
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, યુવક ૨૦ વર્ષનો છે અને તેને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તે પોતે છેલ્લા ૨ વર્ષથી ફેક આઈડી સાંઇરામદવે ઓફિશીયલનો ઉપયોગ કરે છે અને તેનો ઉપયોગ તે અલગ અલગ સેલીબ્રીટીઓને મેસેજ કરીને ફોલો કરવા તથા પોસ્ટ કરવા કરતો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનાને લઇ ફિલ્મ અને કલાજગતના લોકોમાં ભારે ચર્ચા ચાલી હતી. પોલીસે ફેક આઇડીના આધારે યુવકે કોઇ ગંભીર દૂરપયોગ તો નથી કર્યો ને તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.