અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ગઇકાલે ત્રણ બાળકો પડી જવાની ગંભીર દુર્ઘટના બાદ અમદાવાદ આરટીઓ તંત્ર જાણે સફાળુ જાગ્યુ હતું અને શહેરના સાબરમતી, ચાંદખેડા, ભૂયંગદેવ, નિકોલ અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં ડ્રાઇવ ચલાવી સ્કૂલવાનોનું બહુ કડકાઇથી ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં મોટાભાગની સ્કૂલવાનોમાં આરટીઓ નિયમો અને કાયદાકીય જાગવાઇઓનો ભંગ થયાનું સામે આવતાં ૪૫થી વધુ સ્કૂલવાન જપ્ત કરવામાં આવી હતી. જેને પગલે શહેરની વિવિધ શાળાઓમાં અને સ્કૂલવાન ચાલકોમાં જબરદસ્ત ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.
બીજીબાજુ, નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલની સ્કૂલવાનની ગઇકાલે ઘટેલી ગંભીર દુર્ઘટના બાદ આજે આરટીઓ અધિકારીઓએ શાળાની તમામ સ્કૂલ વાનમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જે દરમ્યાન મોટાભાગની સ્કૂલવાન મોડિફાઇડ કરાયેલી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. એટલું જ નહી, મોડિફાઇડ કરાયેલી આ સ્કૂલવાનની જરૂરી પરવાનગી પણ આરટીઓમાંથી લેવાઇ નહી હોવાની વાત પણ સામે આવી હતી, તેથી હવે આરટીઓ તંત્રએ આ કિસ્સામાં પણ નિયમોનુસાર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. આરટીઓ અધિકારીઓ દ્વારા આજે વહેલી સવારથી જ શહેરના સાબરમતી, ચાંદખેડા, ભૂયંગદેવ, નિકોલ અને વ†ાલ સહિતના વિસ્તારોમાં ડ્રાઇવ ચલાવી સ્કૂલવાનોનું બહુ કડકાઇથી ચેકીંગ હાથ ધરાયું હતું.
જેમાં ખાસ કરીને સીએનજી કીટ ફીટ કરાવેલી સ્કૂલવાનમાં ફાયરસેફ્ટીની સાધનો જ રખાતા નહી હોવાની ચોંકાવનારી વાત સામે આવી હતી, જે ઘણી ગંભીર કહી શકાય. તો, કેટલીક સ્કૂલવાનોના ચેકીંગ દરમ્યાન જરૂરી આરટીઓ ટેક્સ જ ભરાયો નહી હોવાની હકીકત પણ સામે આવી હતી, જેને પગલે આરટીઓ તંત્રએ આવી કસૂરવાર અને નિયમભંગવાળી ૪૫થી વધુ સ્કૂલવાન ડિટેઇન કરી હતી અને તમામની વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી સહિતના પગલાં લેવાની તજવીજ હાથ ધરી હતી. આરટીઓ નિયમો અને કાયદાકીય જાગવાઇઓનો સરેઆમ ભંગ કરીને ગઇકાલે નિકોલની પંચામૃત સ્કૂલની સ્કૂલવાનમાં ડ્રાઇવર દ્વારા ઘેટાબકરાંની કુલ ૨૨ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા. સમગ્ર દુર્ઘટનામાં સ્કૂલવાનના ડ્રાઇવરની બહુ મોટી અને ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં તેણે પૂરપાટઝડપે સ્કૂલવાન હંકારી હતી અને વળાંક લેતી વખતે વાનનો દરવાજો ખુલ્લો રહી ગયો હોવાથી ચાલુ વાનમાંથી એક વિદ્યાર્થીની સહિત ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા.
જેમાં એક વિદ્યાર્થીનીને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો સુરજ શર્મા નામનો એક બાળક ગુમ હોવાની વાત સામે આવતાં આરટીઓ સહિતનું તંત્ર દોડતુ થયુ હતુ તો બીજીબાજુ, વાલીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી હતી અને કસૂરવાર ડ્રાઇવર અને સ્કૂલ સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી આકરા પગલાં લેવાની ઉગ્ર માંગણી કરી હતી. ગઇકાલે મોડી રાત્રે પોલીસે આરોપી સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી હતી, જેનો બાદમાં જામીન પર છૂટકારો થયો હતો. આ સમગ્ર દુર્ઘટના બાદ આરટીઓ તંત્ર આજે સફાળુ જાગ્યુ હતુ અને શહેરના વિવિધ વિસ્તારોમાં સ્કૂલવાનોનું ચેકીંગ-ડ્રાઇવ ચલાવી જપ્તી સહિતની આકરી કાર્યવાહી કરી હતી.