મારા ઘરે તો સવારે સાત વાગ્યામાં કપડાં ધોવાઈ જ જાય. નવ વાગ્યા સુધીમાં કચરા પોતા કરીને ફળીયા ધોઈને નવરા પડી જ જવાનું. અમારા આજુબાજુવાળા કામની શરૂઆત કરે ત્યારે અમે સાસુ વહુ નવરા ધૂપ થઈને બેસી જઈએ….આ વાક્યો સરિતાના છે. તેને પોતાની આ બાબત પર ખૂબ જ ગર્વ થતો. વર્ષોથી તેમનાં ઘરે આ જ રીતે કામ થતુ. આ પરંપરા ત્યારે તૂટી જ્યારે દીકરાનાં લગ્ન થયા. નોકરી કરતી વહુ આવી.. જે સાત વાગે ઉઠે, થાય એટલુ કામ કરે અને દસ વાગે ટીફીન લઈને નીકળી જાય. સરિતાનાં મનમાં હંમેશા એ જ વિચાર આવે કે આટલા વર્ષનો વટ હતો… લોકો શું કહેશે… ઘરની હાલત તો જુઓ. વહુ આવી ગઈ એટલે હવે હું શું કરવા બધુ જ કામ કરું. કામ કરવું પણ નથી અને એમનુ એમ રહી જાય તે ગમતુ પણ નથી. પછી બોલ્યા વગરનું ફસ્ટ્રેશન સંબંધોમાં ઉભરી આવે. આવા ઉભરાએ ઘરમાં તિરાડ પાડી અને આજે કુટુંબ વિભાજિત થઈ ગયુ. વાત માત્ર પોતાના રૂટિનને થોડુ ચેન્જ કરીને એડજસ્ટ કરવાની હતી. પણ હું શુ કામ એડજસ્ટ કરું…? બહારથી એ આવી છે આપણા ઘરમાં. એડજસ્ટ એને થવાનું હોય કે મારે…? ખરેખર …તમારા ઘરમાં કામ કરવાનું શિડ્યૂલ સંબંધોથી વધારે અગત્યનું હતું….હું આ વિશે કંઈ જ ટિપ્પણી નહીં કુરું …આગળ માત્ર તમે જ વિચારજો.
આ તો હતો સરિતાનાં ઘરનો કિસ્સો. આવી અન્ય મહિલાઓનાં અન્ય કિસ્સા સાથે મળતા રહીશું.
- પ્રકૃતિ ઠાકર.