નવી દિલ્હી : ૧૭મી લોકસભાનુ પ્રથમ સત્ર આજે વિધીવતરીતે શરૂ કરવામાં આવ્યુ હતુ. આ સત્રમાં કેન્દ્રિય બજેટ રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત આ વખતે સરકારના એજન્ડામાં ત્રિપલ તલાક જેવા મહત્વપૂર્ણ કાયદા પણ રહેશે. મોદી મોદીના નારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં શપથ લીધા હતા. મોદીએ શપથ લીધા બાદ લોકસભામાં નવા ચૂંટાયેલા સાંસદોએ શપથ લીધા હતા. કાર્યકારી સ્પીકર વીરેન્દ્ર કુમારે ૧૭મી લોકસભાની કાર્યવાહી શરૂ કરાવી હતી. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજથી ૧૭મી લોકસભાનુ પ્રથમ સત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ.
મોદીએ આ પ્રસંગે વિપક્ષને લોકશાહી માટે ફરજિયાત તરીકે ગણાવીને કહ્યુ હતુ કે સમર્થ વિપક્ષથી લોકશાહી મજબુત થાય છે. મોદીએ વિપક્ષ પાસેથી સહકારની માંગ કરતા કહ્યુ હતુ કે વિપક્ષી દળોએ નંબરોની ચિંતા કર્યા વગર યોગદાન આપવાની જરૂર છે. તેમનો અવાજ અને ચિંતા સરકાર માટે મહત્વપૂર્ણ છે. પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે નવી લોકસભાની રચના બાદ આજે પ્રથમ સત્રની શરૂઆત થઇ છે. મોદીએ કહ્યુ હતુ કે નવા સાથી નવા ઉત્સાહ સાથે આવી રહ્યા છે. ભારતના લોકશાહી ની વિશેષતા એ છે કે તાકાતનો અનુભવ દરેક ચૂંટણીમાં લોકો કરે છે. મોદીએ ખાતરી આપતા કહ્યુ હતુ કે દરેક પક્ષની બાબતને ધ્યાનથી સાંભળીને આગળ વધવામાં આવશે. નંબરોની ચિંતા કર્યા વગર સાથે આવવાનો સમય છે. વિપક્ષી દળોનો અવાજ અમારા માટે ઉપયોગી છે. તેમના માટે વિપક્ષના દરેક શબ્દ મુલ્યવાન છે. દરેક ભાવના મુલ્યવાન છે. મોદીએ કહ્યુ હતુ કે જ્યારે અમે ચેયરની ખુરશી પર બેસી જઇએ છીએત્યાર પક્ષ અને વિપક્ષની ભાવના કરતા નિષ્પક્ષની ભાવના વધારે ઉપયોગી બની જાય છે.
હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદીની આંધી વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીને માત્ર ૫૨ સીટો મળી હતી. બજેટ સત્ર દરમિયાન લોકસભામાં પાંચમી જુલાઈના દિવસે નવા નાણાંમંત્રી નિર્મલા સીતારામન વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું સંપૂર્ણ બજેટ રજુ કરશે. બીજી અવધિમાં મોદી સરકારનું આ પ્રથમ બજેટ રહેશે. સામાન્ય ચૂંટણીના અનુસંધાનમાં તત્કાલિન નાણામંત્રી પિયુષ ગોહિલ દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ માટે વચગાળાનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક હાલમાં યોજાઈ હતી.
જેમાં ૧૭મી લોકસભાનું સત્ર ૧૭મી જુનથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સત્રના પ્રથમ બે દિવસ દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધીમાં જશે. જ્યારે ૧૯મી જુનના દિવસે લોકસભા અધ્યક્ષની ચૂંટણી થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૦મી જુનના દિવસે ગુરુવારના દિવસે સંસદના સેન્ટ્રલ હોલમાં સંસદના બન્ને ગૃહોને સંબોધન કરશે. ચોથી જુલાઈના દિવસે આર્થિક સર્વે રજુ કરવામાં આવશે. જ્યારે ૨૦૧૯-૨૦ માટે કેન્દ્રિય બજેટ લોકસભામાં સવારે ૧૧ વાગ્યે રજુ કરવામાં આવશે. લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન કુલ ૩૦ બેઠક યોજાશે. સંસદની શરૂઆતની એક દિવસ પહેલા સરકારે ગઇકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.