-રવિ ઈલા ભટ્
વુમન્સ ડે આવ્યો કે બધા સ્ત્રીઓનું સન્માન કરવા, તેમને સ્વતંત્રતા આપવા અને તેમનું માન જાળવવા તૈયાર થઈ જાય છે. આમ જોવા જઈએ તો એક દિવસ તો એક દિવસ અને દંભ ખાતર પણ લોકો સ્ત્રીને માન તો આપે છે. ખાસ કરીને સ્ત્રીને પણ આ એક દિવસ સેલ્ફ રિસ્પેક્ટની અનુભુતી થાય છે. આ એક જ દિવસ છે જ્યારે સ્ત્રીઓને તેમની સ્ત્રીસહજ સંવેદનાઓ અનુભવવા દેવાનો અવસર આપવામાં આવે છે અથવા તો તેઓ અવસર લઈ લેતી હોય છે. બાકી તો રોજિંદા કામ, ઘર, પરિવાર સંસાર બધામાંથી નવરી જ નથી પડતી અથવા આપણે નવરી નથી પડવા દેતા.
સ્થિતિ એવી થઈ ગઈ છે કે, લોકોના દાંતમાં સેન્સિટિવિટી આવી ગઈ છે પણ મનમાંથી જતી રહી છે. આજની સ્ત્રીઓ પુરુષ સમોવડી થવામાં સંવેદનશિલતા ગુમાવી રહી છે અથવા તેના માટે તત્પર બની છે. સ્ત્રીનો સ્વભાવ જ સંવેદના છે પણ તેને હવે આ સ્વભાવ બદલવો છે અને પોતાનું નવું અસ્તિત્વ ઊભું કરવું છે. નોકરી કરવી, છોકરા સાચવવા બધું બરોબર ગોઠવીને તે પોતાને મહાન સાબિત કરવા મથી રહી છે. સ્ત્રી આ બધાની વચ્ચે પોતાની સંવેદનાઓની આહુતી આપી રહી છે. તેને નાના નાના સુખ અને અને નાના નાના દુઃખ બંને ગમે છે. આ બંને દ્વારા તે પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે. હવે એ રહ્યું નથી. તેને સમાજમાં સ્ટેટસ જોઈએ છે અને નોકરીમાં સત્તા. ઘરમાં જવાબદારીઓ ઓછી અને સત્તા વધારે જોઈએ છે.
સ્ત્રીઓ એ ભુલી જાય છે કે ઋજુતા તેમની પ્રકૃતિ છે. તેને મૂકીને તેને છોડીને સ્ત્રી ક્યારેય આગળ વધી શકતી જ નથી. પોતાની વાત સાંભળે, પોતાની કાળજી રાખે, પોતાના વિશે ચિંતા કરે, તેની નાની નાની ઈચ્છાઓને કોઈ પૂરી કરે, તેની વાતોને કહ્યા વગર કોઈ સમજી જાય આ બધું તેને ગમે છે. આ બધું પૂરું કરનારને જ તે પોતાનો સ્વપ્નપુરુષ માને છે કે સ્વીકારે છે.
સ્ત્રીમાં અપાર શક્તિ રહેલી છે જે તેને સમજદારી અને સ્વતંત્રતા બંને આપે છે. સ્ત્રી માટે પોતાના પતિ કે પ્રિયજનને પરસ્ત્રીગમન કરતો જોવો સાહજિક છે. તે પોતાના પતિના અનૌરસ સંતાનને સ્વાભાવિકતાથી ઉછેરી શકે છે, માતૃત્વ આપી શકે છે. પુરુષ માટે તે અશક્ય છે. પતિના અવસાન બાદ કે તેણે તરછોડ્યા બાદ પોતાનો સંસાર પોતાની રીતે આગળ વધારવો તેના માટે સ્વાભાવિક બાબત છે. તેને ફરીથી બીજા પુરુષની જરૂર જણાતી નથી. સ્ત્રીને આધારિત રહેવાની ટેવ પાડવામાં આવી હોય છે અને પુરુષને આધારિત રાખવાની. આ બે તફાવતો સમગ્ર સંસારને ચલાવે રાખે છે. ગમે તેટલા યુગ પસાર થાય, ગમે તે દેશમાં જાઓ, ગમે તે ભાષા બોલો પણ સ્ત્રીનો સ્વભાવ સ્ત્રી જ રહેવાનો છે. તેની અંદર રહેલી સહજતા, ઋજુતાને કોઈ દૂર કરી શકતું જ નથી. પુરુષ સમાવડી બનવા તેણે પોતાના સ્વભાવ અને સંવેદના સાથે સમાધાન કરવા માંડ્યા છે તે પણ એટલી જ વાસ્તવિકતા છે. અહીંયા નીલમા સરવરનો એક શેર અચૂક સમજવા જેવો છેઃ
ઔરત અપના આપ બચાએ તબ ભી મુજરિમ હોતી હૈ
ઔરત અપના આપ ગવાએ તબ ભી મુજરિમ હોતી હૈ
આધુનિક માતા-પિતા પોતાની દીકરીઓને દીકરાની જેમ ઉછેરી રહ્યા છે. તારે કોઈને કશું કહેવાનું નહીં, તને કોઈ કશું કરી ન શકે, કહી ન શકે જેવા વિચારો તેના બાળમાનસમાં ઠોકી બેસાડવામાં આવે છે. આ વિચારો સ્ત્રીને સમયજતાં મજબૂત બનાવશે પણ સાથે સ્વચ્છંદી પણ બનાવશે. તે પુરુષવિરોધી માનસિકતા સાથે જ જીવનના દરેક સંબંધને જોતી જશે. તે એ ભુલી જશે કે તેણે એક પ્રેમાળ પત્ની, લાગણીશીલ માતા અને સંસ્કારી પુત્રવધુ પણ બનવાનું છે.
સ્ત્રીઓ પોતાને પુરુષ સમોવડી બનાવવા અથાક મહેનત કરી રહી છે. ખરેખર તો તેણે આ બધું કરવાની જરૂર જ નથી. તે પુરુષ કરતાં ક્યાંય ઉપર અને આગળ છે. તેના પર સંસારના સર્જનની જવાબદારી છે જે પુરુષ ક્યારેય ઉપાડી શકતો નથી કે ઉપાડી શકવાનો નથી. પુરુષના બીજને ધરતીની જેમ ઉછેરવાની ક્ષમતા કુદરતે સ્ત્રીને જ આપી છે. તેનામાં શક્તિ અને સૌમ્યતા સાથે જ વિકસે છે.
વુમન્સ ડેના દિવસે સમાજ, સંસ્થઆઓ, પુરુષો અને સ્ત્રીઓના ટોળાં ભેગા થઈને સ્ત્રીઓને સન્માન આપવાની અને ગૌરવ આપવાની વાતો કરે છે પણ ખરેખર તો સ્ત્રીઓએ જાતે જ ગૌરવ મેળવવા જેવું છે. તેનામાં રહેલું સ્ત્રીત્વ જળવાઈ રહે તે જ સાચું ગૌરવ છે. જ્યાં સુધી તે સંવેદનાનું સેલ્ફરિસ્પેક્ટ નહીં જાળવે ત્યાં સુધી સિદ્ધિ અને સફળતાઓ બદલ મળતું સોશિયલ રિસ્પેક્ટ અર્થવગરનું છે. મુનીર નિયાઝીએ આ માટે ખૂબ જ સરસ વાત કરી છેઃ
શહર કા તબ્દીલ હોના શાદ રહના ઔર ઉદાસ
રૌનકેં જિતની યહાં હૈ ઔરતોં કે દમ સે હૈ.