અમદાવાદ : ગીરમાં સિંહ દર્શન માટે આજે છેલ્લો દિવસ છે. એટલે કે હવે સિંહોનું વેકેશન પડશે. જેથી ગીરના અભ્યારણ્યમાં સિંહોના દર્શન કરી શકાશે નહીં. તમામ પર્યટકો માટે સિંહદર્શન બંધ થશે. હવે ચાર મહિના માટે ગીરમાં સિંહ દર્શન કરી શકાશે નહીં. તા.૧૬ જૂનથી તા.૧૫ ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રહેશે. કારણ કે, આ સમયગાળો વનરાજા માટે પ્રજનનકાળનો સમય હોય છે. જેથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન સિંહદર્શન બંધ રાખવામાં આવે છે. વનવિભાગ અને તંત્રના અધિકારીઓએ પણ સિંહોના પ્રજનનકાળને લઇ તેઓને કોઇ ખલેલ ના પડે કે અંતરાય ઉભો ના થાય તે માટે ખાસ તકેદારી રાખી છે. ઉલ્લેખનીય છે કે, અહીં લાખોની સંખ્યામાં સહેલાણીઓ સિંહદર્શન માટે આવતા હોય છે.
ગીરમાં સિંહોના આવતીકાલથી ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફરી પાર્ક ચાલુ રહેશે. ચોમાસાની સિઝન સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે. જેથી વન્ય જીવોના સંવનનમાં ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા તા.૧૬ જૂન સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે.
આ વેકેશન ૧૫ ઓકટોબરે પૂર્ણ થાય છે. આ વેકેશન દરમિયાન પ્રવાસીઓને સિંહ દર્શન અને સફરી માટે લઇ જવામાં આવતા જીપ્સીના તમામ રૂટો બંધ રાખવામાં આવે છે. જો કે દેવળિયા સફારી પાર્ક રાબેતા મુજબ ચાલુ રહેશે. આજે તા.૧૫ જુન સિંહ દર્શન માટે છેલ્લો દિવસ હતો અને હવે આવતીકાલથી ચાર મહિના માટે સાસણમાં વેકેશન જાહેર થતાં સિંહપ્રેમીઓને હવે સિંહ દર્શન માટે થોડા મહિનાઓ રાહ જોવી પડશે. છેલ્લી ગણતરી મુજબ સિંહોની સંખ્યા ૫૨૩ આસપાસ હતી, હવે આશરે ૭૦૦ ઉપર સાવજોની સંખ્યા પહોચી છે, ત્યારે આ ચાર માસનો સિંહો માટેનો સંવનનકાળ ગુજરાત માટે મહત્વનો સાબિત થશે.