કોલકત્તા : બંગાળમાં તબીબોની માંગ અવિરત પણે જારી રહી છે. ૭૦૦થી પણ વધુ તબીબો રાજીનામુ આપી ચુક્યા છે. આવી સ્થિતીમાં બંગાળમાં આરોગ્ય સેવા ઠપ્પ થઇ ગઇ છે. દેશના જુદા જુદા રાજ્યોના તબીબો પણ હડતાળમાં સામેલ થયા છે. તબીબોએ હવે કહ્યુ છે કે મુખ્યપ્રધાન મમતા બેનર્જી તેમની માંગને હોસ્પિટલમાં આવીને સાંભળે. મમતા પર દબાણ વધતા વાતચીત માટે સક્રિય બન્યા છે. તબીબોની હડતાળ આજે બંગાળમાં પાંચમા દિવસે જારી રહી હતી.
બીજી બાજુ દેશના અન્ય રાજ્યોમાં પણ તબીબો તેમના સમર્થનમાં આગળ આવ્યા હતા. ૭૦૦ ડોક્ટરોએ સામૂહિક રાજીનામા આપી દીધા છે. રાજીનામુ આપનાર તબીબોનું કહેવું છે કે, વર્તમાન સ્થિતિમાં કામ કરવું તેમના માટે મુશ્કેલ બની ગયું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસેથી માફીની માંગ કરવામાં આવી છે. સાથે સાથે અનેક શરતો પણ મુકી દીધી છે. તબીબોનું કહેવું છે કે, મુખ્યમંત્રીએ જે કહ્યું છે તેને લઇને તેમને અપેક્ષા ન હતા. સરકારી હોસ્પિટલમાં સુરક્ષા સંબંધિત માંગ પુરી થશે નહીં ત્યાં સુધી હડતાળ જારી રહેશે.
બીજી બાજુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દેખાવકારો ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે, વિપક્ષી ભાજપ અને સીપીએમ દ્વારા ભડકાવવામાં આવ્યા બાદ તબીબો હડતાળ પાડી રહ્યા છે. તબીબોની માંગ છે કે, યોગ્ય સુરક્ષા મળે તે જરૂરી છે. તમામ હોસ્પિટલમાં સશસ્ર પોલીસ દળ તૈનાત કરવામાં આવે તે જરૂરી છે. ઉપરાંત એનઆરએસ હોસ્પિટલમાં શનિવારના દિવસે કરવામાં આવેલા હુમલામાં સામેલ રહેલા અપરાધીઓને બિનજામીનપાત્ર હેઠળ પકડી પાડવાની પણ માંગ કરવામાં આવી છે.
દેશના અન્ય રાજ્યોમાં પણ તબીબો હડતાળ ઉપર ઉતરી ગયા છે. ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં તબીબો હડતાળ ઉપર ઉતરી ગયા છે. વારાણસીમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ બીએચયુના તબીબો હડતાળ ઉપર છે. મહારાષ્ટ્ર એસોશિએશન રેસિડેન્ટ ડોક્ટર દ્વારા પણ હડતાળને સમર્થન અપાયું છે. રાજસ્થાનના તબીબો પણ હડતાળમાં આગળ આવ્યા છે.